ચંદ્રયાન -3 ધરતીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તરતું મુકાયું કે તરત જ વડાપ્રધાન મોદીએ ફ્રાંસથી ટ્વીટ કરીને વિજ્ઞાનીઓના પરિશ્રમને વધાવી લીધો હતો. જો કે આ સફળતાથી હરખાઇ જવાય એ સમજી શકાય એમ છે. પરંતુ દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ એમ આપણે ચંદ્રયાન 3 ખરી કસોટીમાં પાર ઉતરે એ ભારત માટે મોટી સફળતા ગણાશે.
કોપીબુક સ્ટાઇલથી ચંદ્રયાન -3 શુક્રવારે રવાના થયું, ત્યારે ધારણા પ્રમાણે જ પહેલા તબક્કાની સફળતાને વર્યું છે. હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મુકવામાં ઇસરોને હથોટી આવી ગઇ છેં, બીજી ભાષામાં કહીએ તો ઇસરો માટે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મુકવા એ ડાબા હાથનો ખેલ થઇ ગયો છે, એ સંજોગોમાં ચંદ્રયાન 3 સફળતાથી ધરતીની ફરતે ઘૂમતું થાય એ ઘણું સહજ છે. ધરતીના ગુરૂત્વાકર્ષણના બાહુપાશમાંથી છુટીને તે ચંદ્ર તરફ સફર શરૂ કરશે એ પણ બહુ સહજ પ્રવાસ છે. ઇસરોએ અગાઉ બે વખત ચંદ્રયાનો અને એક વખત મંગળયાનને તેમના નિર્ઘારીત માર્ગે રવાના કરવામાં મેળવેલી સફળતાને આધારે કહી શકાય કે ચંદ્રયાન 3 પણ ચંદ્ર સુધીની સફર તો સરળતાથી કાપી નાંખશે. પરંતુ ચંદ્ર પર લેન્ડર અને રોવરને સફળતાપૂર્વક ઉતારી શકાશે એવી આશા અત્યારે તો રાખી શકાય એમ છે.
લાંબા સમય સુધી ઇસરોના લોન્ચિંગ સામાન્ય લોકોથી ઓઝલ રહ્યા છે. પરંતુ ગઇ કાલે ચંદ્રયાન 3નું લોન્ચિંગ જોવા માટે હકડેકઠ મેદની ઉમટેલી જોયા પછી એક આશા જરૂર જાગે કે આપણો વિજ્ઞાન અભિગમ હવે વધુ બળવત્તર બને એ સિવાય દેશનો સાચો વિકાસ થઇ શકે એમ નથી. ઇસરો તો આપણા સાચા વિકાસનું પ્રતિક રહ્યું છે. સ્વાભાવિક છે કે ઇસરોએ વિદેશી રોકેટના સથવારે અવકાશ કાર્યક્રમનો પ્રારંભ કરવા સાથે સમાંતરે આત્મનિર્ભરતા કેળવવાનું પણ શરૂ કર્યું હતું અને તેથી જ આજે પૂર્ણ સ્વદેશી ચંદ્રયાન 3 સ્વદેશી રોકેટ પર સવાર થઇને પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતું થઇ ગયું છે.
આ સફળતાની સાથે સાથે આવતા મહિને ફરી એક વખત પડકાર ઝીલવા માટે દેશે તૈયાર રહેવું પડશે. લેન્ડર અને રોવર સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરશે એ સાથે આપણા અવકાશ કાર્યક્રમનો બીજો યુગ શરૂ થશે. આ સફર એટલા માટે પણ પડકારરૂપ છે કે આ પહેલાં ચંદ્રયાન 2 ના મિશનમાં ચંદ્ર ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં નિષ્ફળતા મળી હતી. એ ટેકનોલોજી મેળવવા સાથે બીજો પડકાર એ પણ છે કે આપણું ચંદ્રયાન 3 ધરતી પરથી નહીં દેખાતી ચંદ્રની સપાટી પણ ઉતરાણ કરશે. એ કારણે તેનું ઉતરાણ સાવ અંધારામાં થશે એમ કહીએ તો ચાલે. સાથે સાથે ત્યાંથી સિગ્નલ મેળવવાનો પણ એક પડકાર છે. જો કે ઉતરાણ સિવાય બીજા કોઇ પડકાર ઇસરોના વિજ્ઞાનીઓ માટે નથી એટલું તો જરૂર કહી શકાય.
ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ભારત ચંદ્ર પર હાજરી પુરાવનારો ચોથો દેશ બનશે. ખરેખર તો એ દ્વારા અન્ય કોઇ પણ આકાશીપિંડ પર ઉતરાણ કરવાની ટેકનોલોજી હસ્તગત કરી લેવાશે, જેને કારણે અવકાશી પિંડોનો અભ્યાસ કરવામાં વિજ્ઞાનીઓને વધુ તક મળશે. હવે આ સફળતા સાથે સાથે ભારતમાં સંશોધન વધુ થાય એ દિશામાં કામ કરવાની જરૂર છે.
ખેર, ચંદ્રયાન 3 હાલ તો ધરતીની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્ર સુધીની લગભગ 4 લાખ કિલોમીટરની લાંબી સફર માટે રવાના થશે. ચંદ્રયાન-3 મિશન આ લાંબા પ્રવાસમાં જો બધું આયોજન પ્રમાણે ચાલ્યું તો તે 23 કે 24 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રની સપાટી પર પહોંચતાની સાથે જ લેન્ડર અને રોવર આગામી એક ચંદ્ર દિવસ એટલે કે 14 પૃથ્વી દિવસ માટે સક્રિય થઈ જશે. ઇસરોના ચંદ્ર મિશનનો ધ્યેય ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરવાનો છે.
હવે ચંદ્ર પર પહોંચે ત્યાં સુધી રાહ જોવી રહી. પરંતુ હવે ઇસરોએ વિનેશ મિશન માટેની પણ તૈયારી ઝડપથી કરવી જોઇએ. અમેરિકા સહિતના અનેક દેશો શુક્ર ગ્રહના અભ્યાસ માટે સક્રિય થઇ રહ્યા છે, ત્યારે ભારતે તેમના કરતાં વહેલાં શુક્રને સર કરીને રિસર્ચ માટે ડેટા એકત્ર કરી લેવાની જરૂર છે. ચંદ્રયાનની સફળતા ઇસરોના બીજા અનેક મિશનો માટે એક મિશાલ બની રહેશે. પરંતુ એ માટેનો પડકાર આપણે આવતા મહિને ઝીલી શકે એ માટે ઇસરોના વિજ્ઞાનીઓને શુભેચ્છા પાઠવવી રહી....
About Ashok Patel
I am a journalist, interested in science, especially astronomy.