સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોને રજુ કરી શક્યા ન હતા. આખરે તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું.
ઉમેદવારી પત્રની ચકાસણી દરમ્યાન ભાજપે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી અંહે વાંધો ઉઠાવ્યો હતો. ત્રણે ટેકેદારોએ સોગંદનામા પર ઉમેદવારી પત્રમાં ટેકેદારો તરીકે તેમની સહી ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ટેકેદારો ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. નિલેશ કુંભાણીએ ટેકેદારોને હાજર કરવા માટે ચોવીસ કલાકનો સમય માંગ્યો હતો. એ બાદ કલેક્ટરે રવિવારે સવારે ટેકેદારો સાથે હાજર રહેવા નિલેશ કુંભાણીને જણાવ્યું હતું. પરંતુ નિલેશ કુંભાણી ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા, તેથી આખરે તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ સ્વભાવિકપણે આ ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવી રહી છે તો ભાજપનું કહેવું છે કે આ તમામ કોંગ્રેસના આંતરિક પ્રશ્નો છે જેમા અમારે કોઈ લેવા-દેવા નથી. રાજકીય રમતમાં કોંગ્રેસ હારી ગઈ છે. જો કે હવે કદાચ હાઈકોર્ટમાં પિટીશન થશે, હેબિયર્સ કોર્પર્સ થશે પણ અત્યારે તો હકીકત એટલી જ છે કે ભાજપ સામે હવે મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો ઉમેદવાર જ ચૂંટણી લડી શકે એમ નથી.
હવે તો બીજા નાના પક્ષ કે અપક્ષ ઉમેદવારો ઉમેદવારી ખેંચી લે તો સુરત લોકસભા બેઠક બિનહરીફ થઇ શકે છે. જો કે સવાલ એ થાય કે કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થાય એ પાછળ બંધબારણે રમત કોણ રમી ગયું અને કોની સાથે રમી ગયું. કોંગ્રેસ વિશ્વાસપાત્ર ટેકેદારો મેળવવામાં નિષ્ફળ ગઇ કે કોઇ નેતા ખેલ કરી ગયા ?
About Team gujarat365
Gujarat 365 team.