માંદગીએ પણ દાંડીયાત્રામાં અવરોધ ઊભો કરવાનું નક્કી કર્યું !

7 min read
Thumbnail

13-3-1930

હવે એક નહીં દસ ગાંધી આવે તો પણ ગાંધીજી જે ઇચ્છતા હતા, એ કરી ન શકે ! ગાંધી ખોટા ન હતા, પરંતુ સમયે તેમને પાછળ ધકેલી દીધા છે...

નવાગામમાં રહેતા દાદુભાઇએ 23 વર્ષ પહેલાં પત્રકાર મધુકર ઉપાધ્યાયને કહેલા આ શબ્દો ક્યાંક વાસ્તવિકતાની નજીક આજે નથી લાગતા ? સ્વાભાવિક રીતે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોનું પતન હવે સ્વીકાર્ય બની ગયું છે, ત્યારે ગાંધીજી પણ એ પતનને ખાળી શકે એમ લાગતું નથી.

એલિસબ્રિજ પસાર કર્યા બાદ ગાંધીજીએ હસતા હસતા સાથે આવેલા કસ્તૂરબાને પાછા વળવાનું કહ્યું અને કસ્તુરબા તેમને વંદન કરી પાછા ફર્યા. એ પછી તો ચંડોળા તળાવ થઇને અસલાલી પહોંચ્યા બાદ સવારે દાંડીકૂચ ફરી શરૂ થઇ. બપોરનો પડાવ બારેજામાં હતો. બારેજા પહોંચવાનો માર્ગ જેતલપુર થઇને જતો હતો. અઢી હજારની વસ્તીવાળા આ ગામમાં શહેરની હવા લાગી ચુકી હતી. સત્યાગ્રહ દરમ્યાન ગાંધીજી ખેડા જિલ્લામાં ઘણો સમય રહ્યા હતા. ખેડાના અનેક ગામોમાં તેઓ ફર્યા હતા. સરકારે એ સમયે કર નહીં આપવા બદલે કેટલાય ખેડૂતોની જમીન જપ્ત કરી લીધી હતી. જમીનમાં કાંદાનો પાક હતો અને ગાંધીજીએ એ પાક ખોદી કાઢવા માટે કહ્યું, તો સરકારે ડુંગળી કાઢવા બદલ ખેડૂતોની ધરપકડ કરી હતી. એ સમયે ઘણા લોકો ડુંગળી ચોર તરીકે જાણિતા થયા, તો ગાંધીજીએ બારેજા પહોંચીને હવે તમે નમકચોર કહેવાવો એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ એક હેવાલ એવા છે કે અહીં ખાસ અસર થઇ ન હતી કેમકે એ સમયે બારેજામાં અંગ્રેજોનું શાસન હતું અને ત્યાંનો મુખીને રાવ સાહેબનો ખિતાબ આપ્યો હતો. તે પોતાનો ખિતાબ છોડવા રાજી ન હતો, તેથી ગાંધીજીને તેના વિસ્તારમાં સારો આવકાર મળે એ પસંદ પડે એમ ન હતું અને આજની જેમ એ વખતે પણ પ્રજા શાસકો સામે અવાજ ઉઠાવે એટલું સ્વાભિમાન રાખતી ન હતી ! એ કારણે ગાંધીજીને ઠંડો આવકાર મળ્યો હોવાનું થોમસ વેબરે તેમના પુસ્તકમાં નોંધ્યું છે, જો કે એ જ પુસ્તકમાં બીજો એવો પણ હેવાલ છે કે બારેજાના લોકોને તો બીજી એક વાત યાદ છે. રાવ સાહેબ ગામમાં હતા ખરા, પણ એ ગામના વડા ન હતા, તેથી ગામલોકો અસલાલીના માર્ગે આગળ વધીને ગાંધીજીને આવકાર્યા હતા. ગામના વડાએ એ કાળી ટોપી ઉતારીને ખાદી ધારણ કરી હતી. જો કે આજે પણ ખાદીનું ચલણ દેશના અન્ય નગરોની જેમ બારેજામાં પણ ખાસ નથી. ખાદી ધારણ કરવી એ પણ ખરા ભડવીરનું જ કામ ગણાય. એ વખતે બારેજામાં બપોરના વિસામા સમયે ગાંધીજીએ કરેલા સંબોધનમાં એ વાત પણ આવરી લીધી હતી-

અહીં તમે ખાદીનો ઉપયોગ ખાસ કરતા નથી. સ્વતંત્રતાના પાયામાં ખાદી છે. વિલાયતી કપડાંમાંથી સ્વાધીનતા કદી મળવાની નથી. મોજશોખ મુકીને સૌને વિનંતી છે કે આ ઢગલામાંથી તમે ખાદી લેજો... આ સરકાર જે જુલમ કરી રહી છે, તે ઠેકાણે સ્વતંત્રતા લેવા આપણે નીકળી પડ્યા છે. આપણે જો આપણી વ્યવસ્થા નહીં કરીએ તો રાજ્ય ક્યાંથી ચલાવાશે ? તમે ગૌરક્ષાને પણ વિચારો. આપણે તો આ બધું કામ પણ સાથે સાથે જ કરવાનું છે.

આજના સમયની કેટલીક વાસ્તવિકતા પણ આ સંબોધનમાં ડોકિયા કરતી લાગે છે. ખેર, દાંડીકૂચના 93 મા વર્ષે પણ આ સ્થિતિ ક્યાંક આપણી ઉણપ ભણી આંગળી ચીંધે એમ નથી લાગતું ?

બારેજામાં આરામ કરીને સત્યાગ્રહીઓએ નવાગામનો રસ્તો પકડીને કૂચ આગળ વધારી. જો કે રસ્તો પણ ધૂળિયો અને સાંકડો. 45 કિલોગ્રામ વજનના ગાંધીજી પગમાં ચંપલ પહેરીને કઇ રીતે ચાલ્યા હશે, એ વાત આજે પણ વિચારો તો ધ્રૂજારો આવી જાય. પરંતુ ગાંધીજી જેનું નામ, એ તો બસ એક જ ધ્યેય દાંડી પહોંચીને ત્યાં મીઠું ઉપાડીને મીઠા પરના વેરાનો વિરોધ કરવો. બારેજાથી ડાબી બાજુનો રસ્તો નવાગામ જાય. સત્યાગ્રહીઓ એ તરફ આગળ વધ્યા. 1918 માં સરદાર પટેલે ખેડા સત્યાગ્રહ કર્યો હતો. સત્યાગ્રહ સમયે ગાંધીજી પણ ખેડામાં ઘણો સમય રોકાયા હતા, છતાં બારેજા અને નવાગામમાં ગાંધીવાદી સિદ્ધાંતો અને અર્થવ્યવસ્થાની અસર ખાસ જણાતી ન હતી. એ વાતનું આશ્ચર્ય થયા વિના નહીં રહે. જ્યારે 2004 માં મધુકર ઉપાધ્યાય નવાગામની શાળામાં પહોંચ્યા, ત્યારે વિદ્યાર્થીઓ ગાંધીજી કોણ હતા અને તેમણે દેશ માટે શું કર્યું, એ અંગે કશું કહી શકતા ન હતા, એ ચિત્ર ગાંધીજીના પ્રભાવને ઓસરી ગયાની અનુભૂતિ નથી કરાવતું ?

મોડી સાંજે સત્યાગ્રહીઓ નવાગામ પહોંચી ગયા. બહેનોએ ગીતો ગાઇને ગાંધીજીને આવકાર્યા. નવાગામમાં આવેલા મદિરની સામે ખુલ્લી જગ્યામાં ગાંધીજીએ લોકોને સંબોધન કર્યું-

મારા કરતાં તમારા જિલ્લા અને તમારી વધુ સેવા સરદારે કરી છે. સરદારને પકડીને સરકારે મોટી ભૂલ કરી છે. અહીંના પટેલો અને પાટીદારોએ રાજીનામા આપી દીધા છે, તે જાણી મને આનંદ થાય છે. પણ આ ગામ ઉપર એક વખત વિશ્વાસ મુકીને હું છેતરાયો છું. તમે આ વખતે એવું ન કરશો. રાજીનામા આપવા ઠીક ન લાગે તો ન આપશો. દબાણ હેઠળ રાજીનામા આપ્યા હોય તો પાછા ખેંચી લેજો. એમ કરશો તો મને ખરેખર આનંદ થશે. હું તમને રાજીનામા આપનારા જેટલા જ બહાદૂર માનીશ.

જો કે બધાએ રાજીનામા રાજીખુશીથી આપ્યાનું જાહેર કર્યું એટલે ગાંધીજીએ આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

મંદિરની પાછળ આવેલી ધરમશાળામાં સત્યાગ્રહીઓએ વિસામો લીધો હતો. જો કે બીજા જ દિવસે દાંડીકૂચને અણધારી આપત્તિનો સામનો કરવો પડ્યો. 61 વર્ષના ગાંધીના સ્વાસ્થ્યનો ખ્યાલ દાંડીયાત્રાના આયોજન પાછળ રખાયો નહીં હોય એમ પણ કેટલાકને લાગ્યું હોય, પણ સરદાર પટેલનું આયોજન હોય તેમાં શંકા ન થાય. એ ખરૂં કે ગાંધીજીએ તો જવાબમાં એમ કહ્યું હતું કે, હું પગપાળા જ નિર્ધારીત માર્ગે અને નિર્ધારીત સમયે દાંડી પહોંચીને મીઠાનો સત્યાગ્રહ કરીશ. ભલે મારા પગનું જે થવાનું હોય તે થાય !

પદયાત્રામાં ગાંધીજી ચાલી ન શકે એ માટે સાબરમતી આશ્રમથી એક જાતવાન સફેદ ઘોડો ચિનુભાઇ શેઠે યાત્રામાં સાથે મોકલ્યો હતો. પરંતુ ઘોડાનો ઉપયોગ નહીં થાય એવું ગાંધીજીએ સમજી લેતાં નવાગામથી એ ઘોડો પરત મોકલી આપ્યો. જો કે ગાંધીજીને પગના સાંધાનો દુઃખાવો ઉપડ્યો હતો. છતાં ઘોડાનો ઉપયોગ કરવાનો તેમણે નન્નો ભણી દીધો હતો. ગાંધીજી જ નહીં બીજા સત્યાગ્રહીઓ પણ માંદા પડવા માંડ્યા હતા. આનંદ હિંગોરાની શૂઝ પહેરીને પદયાત્રામાં નીકળ્યા હતા. પરંતુ ધૂળિયા માર્ગે ચંપલ કે ખુલ્લા પગે ચાલવું વધુ અનુકૂળ પડે એમ હતું અને તેથી જ હિંગોરાનીએ શૂઝ કાઢી નાંખ્યા, પણ તેને કારણે પગના તળિયે જજીલા પડી ગયા, જે ખૂબ દર્દ કરતા હતા. ગાંધીજીએ ઘોડો પરત કર્યો, એ ઘોડા પર બેસીને હિંગોરાનીએ કૂચ આગળ વધારી હતી. એ ઓછું હોય એમ સુમંગલ પ્રકાશ પણ માંદા પડ્યા હતા. તેમને શીતળા થયા હતા. તેમણે બિમારી છુપાવીને કૂચ આગળ વધારવાની લાલચ રાખી, પરંતુ અન્ય સાથીઓએ ગાંધીજીને વાત કરવાનું કહ્યું. ગાંધીજીએ તેમને ચાલી શકાય તો કૂચ ચાલુ રાખવી એવું કહેતાં પ્રકાશ ગૌરવભેર બોલી ઉઠ્યા કે, ના હું ચાલી શકીશ ! નડિયાદમાં તેમનું ચેકઅપ થયું અને તેમને ટ્રેનમાં આણંદ મોકલીને સારવાર કરાવવામાં આવી..

એક સમયે એક પછી એક એમ 18 સત્યાગ્રહીઓ માંદા પડ્યા, જો કે ગાંધીજીએ દાંડીયાત્રા માટે ઠરાવેલા કોઇ પણ નિયમોમાં બાંધછોડ કરવાની ના પાડી દીધી. માણસે તેનું અભિમાન છોડીને ભગવાન પર વિશ્વાસ રાખવો જોઇએ એવું ગાંધીજી કહેતા હતા. જો કે પ્રકાશ જેવા કેટલાક સત્યાગ્રહીઓ આખી દાંડીયાત્રા પગપાળા કરી શક્યા ન હતા. જો કે તેમણે દાંડીયાત્રા પૂરી જરૂર કરી હતી.

ગામના કેટલાકે સરકારી પદો પરથી રાજીનામા ધરી દીધા, તો ગામવતી પૂર્વ મુખીએ ગાંધીજીને 125 રૂપિયા અર્પણ કર્યા હતા. નવાગામમાં એક રસોડું કરવાને બદલે ગામના પરિવારોમાં સત્યાગ્રહીને વહેંચી દેવામાં આવ્યા હતા. પરંતુ ગાંધીજી તો ધરમશાળામાં જ રોકાયા હતા... ને બીજા દિવસની તૈયારી સૌએ કરવા માંડી...

Ashok Patel

About Ashok Patel

I am a journalist, interested in science, especially astronomy.