વધુ એક તેજસ નામના ચિત્તાનું મોત થયું છે, એ સાથે જ પ્રોજેક્ટ ચિત્તા પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. ચાર મહિનામાં સાત ચિત્તાના મોત થયા છે, ત્યારે દેશમાં ફરી વખત ચિત્તા જંગલમાં વિહરતા કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું શું સાકાર નહીં થાય ? કેમ ભારતમાં ચિત્તા અનુકૂલન સાધી શકતા નથી ?
મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતની ઘટના અટકવાનું નામ નથી લેતી. કુનો નેશનલ પાર્કમાં વસાવાયેલા તેજસ નામના નર ચિતાનું મૃત્યુ થયું છે. આ પહેલાં કુનો નેશનલ પાર્કમાં વિહરતા કરાયેલા ચિત્તાઓમાંથી 6 ચિત્તાઓ મૃત્યુ પામ્યા છે. તેજસની ગરદન પર ઈજાના નિશાન પણ હતા, પરંતુ આ ઈજાનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ તેજસના મોત બાદ ફરી એકવાર કુનોના મેનેજમેન્ટ પર સવાલો ઉઠી રહ્યા છે.
યાદ રહે કે આઝાદીના સમયથી ભારતમાં ચિત્તા નામશેષ થઇ ગયા હતા. આ સંજોગોમાં મોદી સરકારે દેશમાં ચિત્તા ફરી વસે એ માટે પ્રયાસ શરૂ કર્યા હતા. ચિત્તાની પહેલી ખેપ નામીબિયાથી આવી ત્યારે દેશમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. આઝાદીના સાડા સાત દાયકા પુરા થયા બાદ વૈશ્વિક કક્ષાએ એક ખંડમાંથી બીજા ખંડમાં કોઇ પ્રાણીને વસાવવાનો આ પહેલો પ્રયાસ હતો અને તેથી જ પ્રોજેક્ટ ચિત્તા પર આખી દુનિયાની નજર હતી. આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં વિહરતા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મધ્યપ્રદેશના કુનો જંગલ પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદીનો દેશમાં ચિત્તા વિહરતા કરવાનો પ્રોજેક્ટ ખરેખર મહત્વાકાંક્ષી છે. પહેલી વખત એક ખંડમાંથી બીજા ખંડમાં પ્રાણીને વસાવવાનો પ્રયોગનું ભાગીદાર ભારત બન્યું એ કાંઇ નાનીસુની વાત નથી. પરંતુ કેટલાક નિષ્ણાતોએ એ વખતે આ ચિત્તાઓને વસાવી શકાશે એ અંગે આશંકા વ્યક્ત કરી હતી, આજે એ આશંકા સાચી પડતી હોય એવું લાગે છે. પ્રથમ વખત નામીબીયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા. જો કે ચાર મહિનામાં કુનોમાં સાતમો દીપડો મૃત્યુ પામ્યો છે. કુનો નેશનલ પાર્કના અધિકારીઓનું માનવું છે કે પરસ્પર લડાઈને કારણે વધુ એક દીપડાનું મોત થયું છે. આ પહેલાં કુનોમાં નામીબિયન ચિત્તા 'જ્વાલા'ના જન્મેલા ત્રણ બચ્ચા સહિત સાત ચિત્તા મૃત્યુ પામ્યા છે.
70 વર્ષ પછી દેશમાં ચિત્તાઓને ફરીથી વસાવવાનું આ એક મહાન મિશન છે. પરંતુ ઘણા વન્યજીવ નિષ્ણાંતોના મતે જંગલમાં વિદેશી પ્રજાતિઓની એન્ટ્રી થઈ રહી છે. ચિત્તા ભારતમાં દાયકાઓ પહેલા જોવા મળતા હતા. પરંતુ હાલમાં ભારત લાવવામાં આવેલા ચિત્તા અને ભારતીય ચિત્તામાં ઘણો તફાવત છે. નામિબિયા અથવા અન્ય કોઈ આફ્રિકન દેશમાંથી લાવવામાં આવેલા ચિત્તા અને ભારતીય ચિત્તા આનુવંશિક રીતે સમાન નથી. આ સ્થિતિમાં, ભારતીય પર્યાવરણ માટે નામીબિયાના કે બીજા આફ્રિકન દેશના ચિત્તા એ એલિયન પ્રજાતિ છે. એશિયાટિક ચિત્તાની હયાત પ્રજાતિઓ માત્ર ઈરાનમાં જ જોવા મળે છે.
નિષ્ણાતો માનતા હતા કે નામીબિયન કે આફ્રિકન ચિત્તા ભારત લાવવાનું આયોજન ભલે થયું, પરંતુ ચિત્તાઓનું રહેણાઠ આફ્રિકન ખંડ છે. એ સંજોગોમાં આફ્રિકા અને એશિયા ખંડનું પર્યાવરણ અલગ છે. એ કારણે નામીબિયન ચિત્તાઓ માટે ભારતમાં અનુકૂલન સાધવું મુશ્કેલ હોય એમ લાગે છે. જો કે ચિત્તાઓના મૃત્યુના પ્રાથમિક કારણ માટે તો ચિત્તાઓની આંતરિક લડાઇને જવાબદાર ગણવામાં આવે છે. ભારતમાં પર્યાવરણને અનુકૂળ થવા ઉપરાંત પેટ ભરવા માટે પ્રાણીઓના શિકાર કરવામાં ચિત્તાઓએ ભારતમાં દીપડા અને વાઘ સાથે પણ સ્પર્ધા કરવી પડે છે. ભારતમાં દીપડો આફ્રિકન ચિત્તાઓ માટે સૌથી મોટો ખતરો બની શકે છે કારણ કે કુનોમાં 100 ચોરસ કિમીની ત્રિજ્યામાં તેમની સંખ્યા 9 ની આસપાસની હોવાનું માનવામાં આવે છે.
વન્ય જીવનના નિષ્ણાત વાલ્મીક થાપરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આપણી પાસે જંગલી ચિત્તાઓ માટે આવાસ કે શિકારની પ્રજાતિ નથી. આફ્રિકન ચિત્તા ભારતમાં ક્યારેય રહ્યા નથી. ભારતીય જંગલ તેમનું કુદરતી ઘર નથી. તેઓને શિકાર માટે આયાત કરી તાલીમ આપવામાં આવી છે. કુદરતી રીતે તેમને બહારથી લાવીને વસાવી શકાયા નથી.
કેટલાક નિષ્ણાંતોના મતે છેલ્લા 300 વર્ષોમાં ભારતમાં જે ચિત્તાઓ જોવા મળ્યા હતા, તે મોટા ભાગના ભારતીય કે એશિયાટીક ચિત્તા હતા. આ ચિત્તાઓ માટે જંગલી કૂતરાઓ દ્વારા કરવામાં આવતા હુમલા પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
મોદી સરકારનો અભિગમ પ્રશંસનીય છે. પરંતુ તેની સફળતા માટે વન્યજીવ નિષ્ણાંતોનો અભિપ્રાય લઇને આફ્રિકન ચિત્તાઓને કઇ રીતે વસાવી શકાય એ દિશામાં અભ્યાસ જરૂરી હતો. કોઇ પણ જીવને તેના કુદરતી રહેઠાણમાંથી ઉઠાવી બીજા સ્થળોએ વસાવવા સરળ નથી, ત્યારે પ્રોજેક્ટ ચિત્તાનું ભવિષ્ય શું હશે એ તો સમય જ કહેશે.
About Ashok Patel
I am a journalist, interested in science, especially astronomy.