આજે દિવસભર સુરતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયાની ચર્ચા ચાલી રહી હતી. જો કે હવે કલેક્ટરે આવતી કાલે એ અંગે નિર્ણય જાહેર કરશે એવા હેવાલ છે.
કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે આજે ઉમેદવારીપત્રની ચકાસણીના દિવસે તેમના ત્રણ ટેકેદારોએ તેમની સહી પોતાની નહીં હોવાની એફિડેવિટ કરી જાણ કરતાં નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે ભાજપે વાંધો ઉઠાવતા તેમની ઉમેદવારી રદ થઇ હતી. જો કે કલેક્ટર સમક્ષ નિલેશ કુંભાણીએ 24 કલાકનો સમય માંગતા આવતી કાલે સવારે કલેક્ટરે ત્રણે ટેકેદારોને સાથે રાખીને ઉપસ્થિત થવા જણાવ્યું છે.
એક ચર્ચા એવી છે કે નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી. આ ત્રણ ટેકેદારો નિલેશ કુંભાણીના ખાસ ગણાય છે. ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીના મિત્ર છે, જ્યારે રમેશ પોલારા ભાગીદાર છે અને જગદીશ સાવલિયા તો કુંભાણીના બનેવી થાય છે. જો કે એક હેવાલ એવા છે કે આ ત્રણ ટેકેદારોમાંથી બે ટેકેદારો સંપર્ક વિહોણા છે.
જો કે આ ટેકેદારો ગુમ થયા હોવાની ચર્ચા પણ ચાલી હતી. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ ઉમરા પોલીસ મથકે રજુઆત કરવા ગયા હતા. હવે જોવાનું રહે કે આ ત્રણ ટેકેદારો સાથે કાલે નિલેશ કુંભાણી કલેક્ટર સમક્ષ ઉપસ્થિત થાય છે કે કેમ ?
આ આખો ખેલ ભાજપે કર્યો છે કે જાતે જ એ ખેલ ભજવાઇ ગયો છે, એ તો આવતી કાલે કલેક્ટર સમક્ષ નિલેશ કુંભાણી ટેકેદારો સાથે ઉપસ્થિત થાય ત્યારે જ ખબર પડશે.
મતલબ કે સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયું છે કે કેમ એ અંગે આવતી કાલે 11 વાગ્યા પછી જ સત્તાવાર જાહેરાત કલેક્ટર દ્વારા થશે.
About Team gujarat365
Gujarat 365 team.