લોકસભાની ચૂંટણીનો ગરમાટો શરૂ થઇ ગયો છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ પહેલા તબક્કામાં 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે 1625 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આ ઉમદેવારોમાં 252 ઉમેદવારો સામે ગુનાહિત કેસ ચાલે છે, જ્યારે 450 ઉમેદવારો કરોડપતિ છે. આ ઉમેદવારો પૈકી સૌથી ધનિક ઉમેદવાર મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી કોંગ્રેસના નકુલ નાથ છે. તેમણે ઉમેદવારી કરતાં નોંધાવેલી એફિડેવિટમાં 716 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી છે.
પહેલા તબક્કાની ચૂંટણીમાં કૂલ 1625 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારો પૈકી 1491 પુરૂષો અને 134 મહિલાઓ ચૂંટણી લડી રહ્યા છે. આ તબક્કામાં તમિલનાડુમાં સૌથી વધુ 39 લોકસભા સીટો માટે મતદાન થશે. તમિલનાડુની 39 બેઠકો માટે 950 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે પુડુચેરીમાં એક સીટ માટે સૌથી વધુ 26 ઉમેદવારો મેદાનમાં છે અને નાગાલેન્ડમાં એક સીટ માટે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની આઠ બેઠકો માટે 80 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જ્યારેપશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો માટે 37 ઉમેદવારો, રાજસ્થાનમાં 12 બેઠકો માટે 114 અને મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો માટે 97 ઉમેદવારોએ ચૂંટણી લડી રહ્યા છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા પહેલા તબક્કાની ચૂંટણી લડતા ઉમેદવારોમાંથી 1618 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સાથે જોડેલી એફિડેવિટનો અભ્યાસ કર્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના હેવાલ મુજબ 1618 ઉમેદવારોમાંથી 252 ઉમેદવારો સામે કેટલાક ફોજદારી કેસ નોંધાયેલા છે. ખાસ તો 161 ઉમેદવારો સામે હત્યા અને અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે 18 ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ધના ગુના અને એક સામે દુષ્કર્મનો કેસ નોંધાયેલો છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના હેવાલ મુજબ પહેલા તબક્કાની ચૂંટણી લડનારા 1625 ઉમેદવારોમાંથી 450 ઉમેદવારો કરોડપતિ છે. આ ઉમેદવારો પૈકી છિંદવાડા બેઠક પર ચૂંટણી લડતા કોંગ્રેસના નકુલ નાથ સૌથી અમીર ઉમેદવાર છે. બીજા ક્રમે તામિલનાડુના AIADMKના અશોક કુમારની સંપત્તિ 662 કરોડ રૂપિયા છે અને તમિલનાડુના ભાજપના ઉમેદવાર દેવનાથને 304 કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી છે.
About Team gujarat365
Gujarat 365 team.