14-3-1930
જો આપણે જ આચરણ નહીં કરીએ તો દાંડીકૂચમાં જોડાતા સેંકડો લોકો પણ પોતાની સુવિધા માટેની માંગણી કરતા રહેશે. ઠરાવેલી સુવિધા ઉપરાંતની સુવિધા કોઇએ લેવી નહીં અને લેવી હોય તો મારી મંજૂરી લેવી...
રાત્રી રોકાણ કર્યા બાદ નવાગામથી સવારે રવાના થતાં પહેલાં ગાંધીજી પત્રકારોને મળ્યા. તેમણે કડક શબ્દોમાં ઉપરોક્ત વાત કહી દીધી. સ્વાભાવિક છે કે 241 માઇલની દાંડીયાત્રામાં અનુશાસન નહીં હોય તો એ યાત્રાને સફળ બનાવવી મુશ્કેલ જ હોય. એક તરફ અંગ્રેજ સરકાર ગમે ત્યારે ધરપકડ કરીને વાતાવરણ ઉગ્ર બનાવી દે એવી દહેશત હોય, ત્યારે દાંડીયાત્રીઓમાં જ અસંતોષ પેદા થાય તો તેની અવળી અસર પડે અને આઝાદીની લડતને આડે પાટે ચઢાવી દેવાનું એક કારણ મળી જાય. પત્રકારો આશ્રમના નિયમોને વળગી રહે એ મુશ્કેલ હતું અને કેટલાક તો એ સામે ફરિયાદ પણ કરતા હતા. છતાં પત્રકારત્વ તો ચોથી જાગીર ગણાયું છે, ત્યારે તેના પ્રભુત્વ અંગે ગાંધીજી સભાન પણ હતા. પોતે પણ પત્રકારત્વ કરી ચુક્યા હોય, તેના પ્રભાવને પણ સમજતા હતા. આ સંજોગોમાં ગાંધીજીએ એક સર્વસામાન્ય વાત કહીને દાંડીયાત્રામાં જોડાનારાઓની સાથે સાથે પત્રકારોને પણ આડકતરો સંદેશો આપી દીધો હતો. દાંડીકૂચના ત્રીજા જ દિવસે અનુશાસન નહીં સ્થપાય તો ચોવીસ દિવસની યાત્રાના કેવા બેહાલ થાય એ અંગે ગાંધીજી જાણતા ન હોય એવું બની શકે ?
પત્રકારોને મળી લીધા બાદ સત્યાગ્રહીઓએ નવાગામથી વાસણા જવા માટેની પદયાત્રા શરૂ કરી. નવાગામથી 6 કિલોમીટર દૂર આવેલું નાઇકા ગામ યાત્રામાં આવતું ન હતું, પરંતુ નાઇકા ગામના લોકોએ ગાંધીજીને પધારવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું. ગામના મુખી અને કેટલાક લોકો રાજીનામા આપવા તૈયાર હતા, પરંતુ ખંચકાતા હતા, તેથી રાજીનામું આપ્યાની જાહેરાત કરતા ન હતા. ગાંધીજી ઉપર નજર રાખવા માટે ડેપ્યુટી કલેક્ટરના કેટલાક માણસો છુપી રીતે તહેનાત કરાયા હતા. નાઇકામાં પણ તેઓ હાજર હતા, તેથી ગાંધીજીએ ત્યાં જવાનું ટાળ્યું, તેથી લોકો નિરાશ જરૂર થયા. ગાંધીજીએ ગોવિંદપુરા થઇને વાસણા જવાનો માર્ગ પસંદ કર્યો હતો.
વાસણા પહોંચ્યા, ત્યારે ત્યાંની સુવિધા જોઇને ખુશ થવાને બદલે ગાંધીજી ચકિત થઇ ગયા હતા. એ વાત તેમણે છુપાવી પણ નહીં. ગામના સિમાડે એક ઝૂંપડી બનાવીને ગાંધીજી માટે ઉતારો કરાયો હતો. બીજા સત્યાગ્રહીઓ વડના ઝાડ નીચે આરામ કરી શકે એવી વ્યવસ્થા કરાઇ હતી. સત્યાગ્રહીઓને જમાડવા માટે એક રસોડું પણ ઊભું કરાયું હતું. ગામમાં બોલાવવાને બદલે બહાર જ આ સુવિધા આપવા પાછળની શંકા આખરે, ગાંધીજીએ સાંજે 3 વાગ્યે પોતાના સંબોધનમાં ફોડ પાડીને વ્યક્ત કરી જ દીધી. ગાંધીજી જેવા સત્ય બોલનારાને તો અંધારામાં રાખી શકાય ખરા ?
400 મહિલાઓ મળીને હજારેક લોકો ગાંધીજીની આગતાસ્વાગતા તથા બાપુને સાંભળવા માટે હાજર રહ્યા હતા. ગાંધીજીએ જરાય શેહશરમ રાખ્યા વિના ગામલોકોને સંભળાવી દીધું કે દાંડીકૂચમાં કેટલાક અસ્પૃશ્ય અને મુસ્લિમો હોવાને કારણે તેઓ ગામમાં પ્રવેશે નહીં એ માટે જ ગામ બહાર આ ઉતારો અપાયો હતો. જો તમે અસ્પૃશ્યો ધરમશાળામાં ઉતારો ન લે એ માટે આ સુવિધા ઊભી કરી હોય તો મને શરમ લાગે છે. હું ઘણો વખત ખેડા જિલ્લામાં રહીને અસ્પૃશ્યતા અંગે ઘણું કહ્યું છે, જો ખરેખર તમે આઝાદીની લડતમાં મદદ કરવા માંગતા હોવ તો એ માર્ગે જીવો. સાથે સાથે ગાંધીજીએ ગામમાં ખાદીનો વપરાશ ન હોવા અંગે પણ ટીકા કરી હતી. એ બાદ સાંજે 6 વાગ્યે સત્યાગ્રહીઓએ વાસણા છોડીને માતર જવા માટે પ્રસ્થાન કર્યું.
વાસણાથી માતર ચાર જ કિલોમીટર દૂર હોય એક કલાકમાં જ એ રસ્તો કપાઇ ગયો. એ ખરૂં કે કાચો રસ્તો હોવાને કારણે ધૂળ બહુ ઉડતી હતી અને એ ઉપરાંત માર્ગમાં આવતી વાત્રક નદી પર પુલ ન હોવાથી એ સમયે ગાંધીજી અને તેમના સાથીઓએ એ વરસાદી નદીમાંથી પસાર થવું પડ્યું હતું. ગામ લોકો સંગીતના તાલે ગાંધીજીને આવકારવા આવી પહોંચ્યા હતા. ગામમાં મંદિર પાસે ઉતારો અપાયો હતો. વડના વૃક્ષ નીચે ગાંધીજીએ ત્યાં પહોંચીને પ્રાર્થનાસભા યોજી, એ વખતે દાંડીકૂચમાં સામેલ થનારાઓની ખામી સામે પણ આંગળી ચીંધી હતી. દાંડીયાત્રામાં દરરોજ ખાદી કાંતવાનું કામ નિર્ધારેલું હતું. પરંતુ કેટલાક ખાદી કાંતતા ન હતા, એ વાત ગાંધીજીના ધ્યાન પર આવી ગઇ હતી. એટલે તેમણે જાહેરમાં જ કેટલા ખાદી કાંતતા નથી, એમ પૂછીને સમસ્યા પૂછી તો તકલી અને ચરખા ઓછા હોવાની વાત થઇ. ચરખા કરતાં તકલીથી ખાદીનું ઉત્પાદન ઓછું થાય, તેથી નિર્ધારીત જથ્થામાં ખાદી કંતાતી ન હોવાનું સત્યાગ્રહીઓએ કહ્યું, ત્યારે બાપુએ સરળ ઉપાય કહી દીધો- થોડો વધુ સમય કાંતો તો ઉત્પાદન પૂરતું થઇ જ જાય.
વાસણામાં લોકોએ 325 રૂપિયાનો ફાળો આપ્યો, તો માતરમાં લોકો ઘણું ભેગું થયું, પરંતુ ફાળો ખાસ એકત્ર ન થયો. ગાંધીજીએ સંબોધનમાં પોલીસ પટેલ અને મુખીઓના રાજીનામા અને કાર્યકરોની નોંધણી ઉપર ખાસ ભાર મુક્યો હતો. સ્વાભાવિક છે કે સરકારી નોકરી કે પદ પરથી રાજીનામા નહીં મુકાય તો આઝાદીના આંદોલનમાં વધુને વધુ લોકોને જોડવા મુશ્કેલ થઇ જાય, તો બીજી તરફ લડત માટે વધુ કાર્યકરો પણ જોઇએ. ખાસ તો સ્થાનિક કક્ષાએ લડત ચલાવવા માટે કાર્યકરોની જરૂર ઘણી પડે.
માતરમાં જાહેર સંબોધન બાદ ગાંધીજી ધરમશાળામાં પહોંચ્યા, જ્યાં અમદાવાદથી કેટલાક લોકો મળવા આવ્યા હતા. ખાસ તો અબ્બાસ તૈયબજી અને શંકરલાલ બેન્કર આવ્યા હતા. એ મુલાકાત બાદ ગાંધીજી આરામ કરવા ગયા, તો અન્ય પદયાત્રીઓ બીજા દિવસની તૈયારીમાં મંડી પડ્યા...
About Ashok Patel
I am a journalist, interested in science, especially astronomy.