15-3-1930
આજે આપણે ગૌસેવાનો ઊંધો અર્થ કરીએ છીએ. મુસલમાનોના હાથમાંથી મરતી ગાય બચાવવી તેમાં ગૌસેવા નથી. એ તો ગૌવધ (થતો અટકાવવો) કહેવાય. (ગાયને મારવાથી) પાપ લાગશે તો એને લાગશે. જો ગાયનો બચાવ કરવો હોય, તો તેની સેવા કરો. ગાયોને વસાવો...
ગૌસેવા અંગેના ગાંધીજીના આ વિચાર આજે કેટલા માને છે ? સમય જતાં અર્થ બદલાઇ ગયા છે. ગાયને પાળવાને બદલે હવે પશુપાલન એક વ્યવસાય બની ગયો છે. ફક્ત ગૌસેવાનું એક પ્રતિક રહી ગયું છે. ગૌસેવા જ નહીં ખાદીનો ઉપયોગ કરવો કે ખાદી કાંતવી જેવા અનેક વિચારો ઉપર ગાંધીજીએ સંબોધન ડભાણ ગામે કર્યું હતું.
14 માર્ચે માતરમાં રાત્રી મુકામ કર્યા બાદ સત્યાગ્રહીઓ નડિયાદ જવા માટે ડભાણના માર્ગે આગળ વધ્યા. જો કે હવે દાંડીયાત્રીઓની સંખ્યા 79 થી વધીને 81 થઇ ગઇ. કાકાસાહેબ કાલેલકરના બે દીકરા. એમાંથી એક બાલ કાલેલકર તો આશ્રમમાં રહીને ભણતો હતો અને જેવી દાંડીયાત્રાની જાહેરાત થઇ એટલે તેણે નામ નોંધાવી દીધું હતું અને તેની પસંદગી પણ થઇ. એ વખતે કાકાસાહેબ કાલેલકરનો મોટો દીકરો શંકર કાલેલકર પૂનામાં ભણતો હતો. તેને મીઠાના સત્યાગ્રહની જાણ થઇ એટલે તે પણ પૂનાથી દાંડીયાત્રામાં જોડાવા માટે દોડતોભાગતો ડભાણ આવી પહોંચ્યો. એ બંને ભાઇઓ હવે દાંડીકૂચના સભ્ય બની ગયા, તો ગાંધીજીએ બીજી એક વ્યક્તિને પણ સત્યાગ્રહી તરીકે સામેલ કરી. એ સામે થોડો ગણગણાટ પણ થયો. સ્વાભાવિક છે કે એક હત્યાનો ગુનેગાર જેલની સજા ભોગવીને છુટી આવે તેને દાંડીયાત્રી તરીકે બાપુ સામેલ કરે એ કોને ગમે ?
હત્યાને વાજબી ઠેરવી ન શકાય, પરંતુ એક યુવતીનું યૌનપીડન કરનારને પણ કઇ રીતે સાંખી લેવાય ? એ દુષ્કર્મ સામે ખડગબહાદૂર ગિરિએ એ હત્યા કરી હતી. એ માટે તેણે જેલની સજા પણ ભોગવી લીધી. એ સજા ભોગવ્યા બાદ હવે તે સત્યાગ્રહી બની રહ્યો હતો. ફ્રી પ્રેસ રીપોર્ટર સમક્ષ ખડગબહાદૂર ગિરિએ પોતાની વાત રજુ કરવા મોકલ્યો- જેલમાંથી છુટ્યો એ દિવસે જ જીવન ગાંધીજીને અર્પણ કરી દીધું હતું.. હવે હું ખરેખર અહિંસાનો સૈનિક બની ગયો છું...
એમ પણ દાંડીયાત્રીઓમાં એક નેપાળી મહાવીર ગિરિ તો સામેલ જ હતા, ડભાણથી હવે ખડગબહાદૂર ગિરિ પણ જોડાયા અને બીજા શંકર કાલેલકર પણ જોડાયા, એ સાથે જ નમક વેરાનો ભંગ કરવા નીકળેલા દાંડીયાત્રીઓની સંખ્યા 81 ઉપર પહોંચી ગઇ હતી.
માતરથી સવારે નીકળેલા દાંડીયાત્રીઓ સવારે પોણાદસે તો ડભાણ પહોંચી ગયા. ગાંધીજી સતત આઝાદી માટે જ વિચારતા રહેતા હતા. જ્યારે તેમનું મગજ એ દિશામાં વિચારવામાં વ્યસ્ત હોય ત્યારે તેમની ચાલ એટલી ઝડપી રહેતી કે પાછળ નવ નવા પદયાત્રીઓની નવ ટુકડી તેમની સાથે રહેવામાં વેરવિખેર થઇ જતી ! એ વાત પણ ગાંધીજીથી અછતી ન હતી અને તેથી જ તેમણે કૂચના કમાન્ડર ઇન ચીફ ગણાયેલા છગનલાલ જોશી, પંડિત ખરે અને પ્યારેલાલને પાછલી હરોળમાં રાખી દીધા અને બીજા પદયાત્રીઓને આગળ લાવી દીધા, તેને કારણે શિસ્ત જળવાયેલું જોવા મળ્યું. જો કે હવે ગરમી તેનો પરચો દેખાડવા માંડી હતી અને ગાંધીજીને પણ ગરમી લાગતી હતી, તેમણે ખાદીનું કપડું માથે મુકીને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો, જો કે ગરમી અકળાવી દેતી હતી.
ડભાણ પહોંચ્યા, ત્યારે લોકો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. લોકોના ઉત્સાહ છતાં બાપુ સીધા હરિજનવાસમાં પહોંચી ગયા અને ત્યાં કૂવામાંથી જાતે જ પાણી ખેંચીને સ્નાન કરી ગરમીથી રાહત મેળવી હતી. એમ તો ગાંધીજીનો એક હેતુ અસ્પૃશ્યતા નિવારવાનો પણ હતો. ગાંધીજી તો હરિજનવાસમાં જ બધા પદયાત્રીઓ રોકાય એવું ઇચ્છતા હતા. પરંતુ હરિજનવાસમાં એટલી મોકળાશ અને સુવિધા ન હોવાને કારણે થોડે દૂર આવેલી પાટીદાર ધરમશાળામાં બાકીના પદયાત્રીઓએ આરામ કર્યો. ભોજન પૂરું કર્યું, ત્યાં તો મુંબઇના જાણિતા રાષ્ટ્રવાદી કે.એફ. નરિમાન અને યુસુફ મેહેરલી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ ઉદ્યોગપતિઓએ ગાંધીજીની પદયાત્રા માટે દાન લઇને આવ્યા હતા.
સ્વાગતવિધિ પૂરી થઇ ગયા બાદ પદયાત્રીઓ ધરમશાળામાં આરામ કરી શકે એ માટે રવિશંકર મહારાજ સહિતના અનેક કાર્યકરો દરવાજે જ બેસી રહ્યા. લોકો તેમને મળવા આતુર હતા, તો રવિશંકર મહારાજે યુક્તિ કરી. તેમણે લોકોને કહ્યું કે, બપોરે તો આપણે ભગવાન રામ અને કૃષ્ણને પણ આરામ કરવા દઇએ છીએ, તો જીવતા માણસોને પણ બપોરે આરામ કરવા દેવો ન જોઇએ ? એ પછી સાંજે ગાંધીજી સંબોધન કરવાના હતા, તેથી ધરમશાળામાં રોકાયેલા પદયાત્રીઓ તથા બીજા કાર્યકરો હરિજનવાસ પહોંચ્યા. એ વખતે ખાલી રામ તળાવમાં એક વડના વૃક્ષ નીચે બેસીને ગાંધીજીએ સંબોધન કર્યું હતું. ગાંધીજીએ મુખી તથા બીજાઓના રાજીનામાની જાહેરાત કરી, તો સાથે સાથે પહેલી વખત જાહેરમાં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ દાંડી ખાતે થશે એવી માહિતી આપી હતી.
સંબોધન પૂરું થઇ ગયું અને બીજી વાતચીત પણ ખતમ થઇ ગઇ, ત્યારે બાપુએ કોઇકને નડિયાદ જવાના બે ત્રણ રસ્તા અંગે પૂછ્યું અને માહિતી મેળવી કે તરત અચાનક જ કૂદીને તેમણે 4.30 કલાકે નડિયાદ જવાનો બીજો માર્ગ પકડી લીધો. એ વખતે પદયાત્રીઓ તો તૈયાર ન હતા, તેથી તેઓ ભાગદોડ કરીને યાત્રામાં જોડાયા. રસ્તે ભવ્ય સ્વાગત ન થાય એ માટે બાપુએ બીજો માર્ગ પકડ્યો. તેઓ એટલા ઝડપથી ચાલતા હતા કે ડભાણથી નડિયાદનું 6 કિલોમીટરનું અંતર ફક્ત એક જ કલાકમાં પૂરું કરી નાંખ્યું !
ગાંધીજીએ માર્ગ ભલે બદલ્યો હોય, પરંતુ એ માર્ગે પણ બંને બાજુએ લોકો તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા. નડિયાદમાં રાત્રી ઉતારો સંતરામ મંદિરમાં રાખવામાં આવ્યો હતો. ગાંધીજી પ્રાર્થનાસભા બાદ સંબોધન પણ કરવાના હતા, તેથી મંદિરના પ્રાંગણમાં મંચ બનાવવાનો હતો, પરંતુ હકડેકઠ મેદની એકઠી થઇ જતાં મંચ બની જ ન શક્યો અને બાપુએ મંદિરના પ્રવેશદ્વારના ઝરૂખેથી સંબોધન કરવું પડ્યું. ગાંધીજી એક તરફ મંદિરમાં બેઠા હતા, લોકો સાથે વાત કરતા હતા, તો સાથે સાથે લોકોને સંદેશો પણ આપતા હતા અને શરીર ટકાવી રાખવા માટે કશુંક ખાતા પણ રહેતા હતા. મહાદેવ દેસાઇએ એ વખતે વિચાર્યું કે આ જનનેતાને અડધો કલાક શાંતિથી જમવા માટે પણ મળતો નથી !
રાત્રે 8 વાગ્યે સંબોધન શરૂ કર્યું. તેમણે ખાદી, દારૂબંધી, ગૌસેવા, અસ્પૃશ્યતા નિવારણ અને સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને આઝાદીની લડતમાં જોડાવા જેવા તમામ મુદ્દાઓને આવરી લઇને લોકોને જાગૃત કરતું ભાષણ આપ્યું. એકત્ર થયેલા માનવસાગરને જોઇને ગાંધીજી પણ ગળગળા થઇ ગયા હતા. આ પહેલાં આટલા માણસો એકઠા થયેલા જોયા નથી, એ વાતનો તેમણે સ્વીકાર કર્યો અને સાથે સાથે ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઇનું નડિયાદ ફક્ત એક બે રાજીનામાથી નહીં થોભે એવો પાનો પણ ચઢાવ્યો. સરદાર પટેલ તમારું કામ કરતાં જેલમાં ગયા એટલે આખું ખેડા કેદ થયું ગણાય. તેમને માટે તો એ માન કહેવાય, પણ આપણા માટે એ અપમાન છે, તે અપમાનનો બદલો કઇ રીતે આપશો ? ખાદી લોકો પહેરતા થાય એ માટે ખાદીના કપડાં વેચવાનો ઉપક્રમ પણ બાપુએ રાખ્યો હતો. અહીં 7 હજારની ખાદી વેચાઇ હતી ! દાંડીકૂચને આશીર્વાદ આપનારા સંતરામ મંદિરના પૂજારીએ પણ ખાદી પહેરી હતી !
સંબોધન પૂરૂં થયાના અડધા કલાક બાદ પદયાત્રીઓ આરામ માટે ધરમશાળા ગયો, તો ગાંધીજી મંદિરની છત પર જઇને કાકાસાહેબ કાલેલકર અને બીજા રાષ્ટ્રપ્રેમીઓ સાથે ઊંઘ આવી ત્યાં સુધી અનેક ચર્ચાઓ કરતા રહ્યા..
About Ashok Patel
I am a journalist, interested in science, especially astronomy.