પહેલી ચૂંટણીમાં મતપત્રો પર ઉમેદવારોના નામ જ ન હતા !

1 min read
Thumbnail

નવી પેઢીના મતદારોએ તો ઇવીએમ મશીનથી જ ચૂંટણીમાં મતદાન કર્યું હશે. પરંતુ એ પહેલા કાગળ પર છપાયેલા મતપત્રકો પર જ સિક્કો મારીને મત આપવાના થતા હતા. એ કારણે જ દેશની લોકસભાની પહેલી ચૂંટણી 1951-52 માં 180 ટન કાગળ ચૂંટણી કરાવવા માટે ઉપયોગમાં લેવાયો હતો.

લોકસભાની પહેલી સામાન્ય ચૂંટણીની સાથે સાથે કેટલીક વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવી હતી. એ વખતે બંને મતપત્રોની ઓળખ મતદારો કરી શકે એ માટે લોકસભાની ચૂંટણી માટે ઓલિવ ગ્રીન અને વિધાનસભાની ચૂંટણી માટે ચોકલેટ રંગની મતપત્રો પર આડી પટ્ટીમાં રંગ લગાવ્યો હતો. આ મતપત્રકો નાસિકના સિક્યોરિટી પ્રેસમાં છપાવવામાં આવ્યા હતા કે જેથી ડિઝાઇનમાં કોઇ પણ પ્રકારનો તફાવત રહે નહીં. બેલેટ પેપર માટે વોટરમાર્ક્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદમાં ઓલવિન કંપનીએ બનાવેલા બેલેટ બોક્સમાં મતપત્ર નાંખવાની જગ્યા ફક્ત એક ઇંચની હોવાથી બેલેટ પેપરની જાડાઇ ઓછી કરવામાં આવી હતી. બેલેટ પેપર પર ઉમેદવારોના નામ પણ છાપવામાં આવ્યા ન હતા. દરેક ઉમેદવાર માટે બેલેટ બોક્સ જુદા જુદા રંગના રાખવામાં આવ્યા હતા.

પહેલી સામાન્ય ચૂંટણીમાં 86 બેઠકો હતી. એ ચૂંટણીમાં એક સાંસદ સામાન્ય વર્ગનો અને બીજો સાંસદ અનામત વર્ગનો હતો. એક બેઠક પરથી ત્રણ સાંસદની ચૂંટણી થઇ હતી. આ બેઠક પર દરેક મતદારોની સાંસદની સંખ્યાના હિસાબે જ મત વહેંચવામાં આવ્યા હતા.60 કરોડ મતપત્રો છાપવા માટે 180 ટન કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં લગભગ 10.77 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.