ચંદ્ર વિજય બાદ આજે ચેસ વિજય થશે ?

5 min read
Thumbnail

એક બે નહીં પૂરા 41 દિવસના ઇન્તેજાર બાદ સફળતાનો જે સ્વાદ ચાખવા મળ્યો, એ ચાર વર્ષ પહેલાંના ખારા આંસુને અમૃત બનાવનારો બની રહ્યો છે. ભારતનું ચંદ્રયાન 3 વિશ્વનું પહેલું દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં ઉતરાણ કરનારૂં પહેલું યાન બન્યું છે. જો કે આકાશી પિંડ પરના સફળ ઉતરાણ કરીને ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બન્યો છે. એ ટેકનોલોજી હસ્તગત કરવા સાથે ભારત હવે સૌરમાળામાં આગળ વધી શકે એમ છે. બુધવારની એ સફળતા આજે ચેસ વર્લ્ડ કપમાં ભારતને વધુ ગૌરવવંતુ બનાવશે ખરી ?

14 જુલાઇ 2023 ના બપોરે 2.35 મિનિટે શ્રીહરિકોટા અવકાશ મથકેથી ઇસરોના સૌથી મોટા રોકેટ એસએલવી રોકેટ દ્વારા ચંદ્રયાન 3 ને અવકાશમાં તરતું મુકાયું હતું. ઓછા શક્તિશાળી રોકેટ અને ઓછા બજેટમાં સફળતા પામવાની ઇસરોની પરંપરા આગળ વધારવાનું કામ પણ ચંદ્રયાન 3 દ્વારા હાથ ધરાયું હતું અને તેથી જ 3.84 લાખ કિલોમીટર લાંબી આ સફર પાર પાડવામાં દોઢ મહિનો લાગી ગયો હતો. તેની સામે રશિયાએ લુના 25 11 ઓગષ્ટે ચંદ્રની સફરે મોકલ્યું હતું. જો કે તેનું ક્રેશ લેન્ડિંગ થતાં ચેનલોએ લુના 25 અને ચંદ્રયાન 3 વચ્ચે જાણે ચંદ્ર પર પહોંચવાની રેસ લાગી હોય એવું ચિત્ર ઉપસાવ્યું હતું, તે રેસમાં ફક્ત ભારત જ બાકી રહ્યું હતું અને ચંદ્રયાને પહેલાં ધરતી ફરતેના અનેક પરિક્રમણ અને એ પછી ચંદ્ર ફરતેના પરિક્રમણ બાદ ધીરે ધીરે ભ્રમણકક્ષા ઘટાડતા જઇને 23 ઓગષ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રભૂમિ પર સફળતાના પગરણ માંડ્યા હતા.

એ સાથે જ ભારતીય વિજ્ઞાનીઓએ આકાશી પિંડો પર યાનોને ઉતારવાની દિશામાં પહેલી સફળતા મેળવી છે. આ ટેકનોલોજી બીજા અવકાશી પિંડો પર પહોંચવા માટે જરૂરી છે અને એ હસ્તગત કરી લીધી છે, ત્યારે સૌરમાળામાં બીજા ગ્રહોના અભ્યાસ માટેના દ્વાર ખુલી જશે. જો કે અત્યારે તો ચંદ્ર જ નિશાન પર છે. વિક્રમના સફળ લેન્ડિંગ બાદ હવે પ્રજ્ઞાન રોવર પણ ચંદ્રભૂમિ પર 14 દિવસ સુધી રઝળપાટ કરીને વિવિધ સંશોધનો હાથ ધરશે અને કેટલાય રહસ્યો તે ઉકેલી શકે એમ છે. ખાસ તો ચંદ્ર પર પાણીના પુરતા પુરાવા તે શોધશે. પાણી હોવાનું પ્રમાણ તો ચંદ્રયાન 1 ના ઇમ્પેક્ટરે આપી જ દીધા હતા. હવે એ દિશામાં વધુ સંશોધન કરવા જરૂરી છે. સ્વાભાવિક છે કે પાણીના રાસાયણિક વિઘટનથી ઓક્સિજન અને હાઇડ્રોજન છુટા પાડી શકાય છે. ઓક્સિજન જીવન માટે જરૂરી છે, તો હાઇડ્રોજન તથા ઓક્સિજન રોકેટ માટે બળતણ બની શકે એમ છે. વળી ચંદ્રનું ગૂરૂત્વાકર્ષણ નબળું હોવાને કારણે ત્યાંથી ધરતી કરતાં ઓછી શક્તિએ રોકેટને મંગળ ભણી દાગી શકાય એમ છે. એ કારણે જ ભવિષ્યમાં સમાનવ મંગળયાત્રા માટે ચંદ્ર એક સ્પેશ સ્ટેશન બની શકે એમ છે.

આ કારણે જ ભારતનું મૂન મિશન ખૂબ જ મહત્વનું લેખાય છે. વાસ્તવમાં ચંદ્રયાન 2 ને સોંપાયેલા કામો હવે ચંદ્રયાન 3 દ્વારા પુરા કરાશે. કદાચ, એ કારણથી જ ચંદ્રયાન 2 ની જેમ ચંદ્રયાન 3 ના લેન્ડરને વિક્રમ અને રોવરને પ્રજ્ઞાન નામ જ અપાયા છે. નાસાની પણ આ મિશન ઉપર નજર છે કેમકે અમેરિકા આવતા વર્ષે ફરીથી સમાનવ ચંદ્રયાત્રા શરૂ કરવાનું છે. મંગળ પર જતાં પહેલાં ચંદ્ર પર પાછા જવું જરૂરી છે.

વિક્રમમાં રહેલું પ્રજ્ઞાન આપણું ચંદ્ર અંગેનું જ્ઞાન વધારશે, તો બીજી તરફ આજે પ્રજ્ઞાનંદા આજે ભારતને બીજું ગૌરવ અપાવે એવી આશા અસ્થાને નથી. પ્રજ્ઞાનંદા વર્લ્ડ ચેસ ચેમ્પિનશિપની ફાઇનલમાં રમી રહ્યો છે. અઝરબૈજાનની રાજધાની બાકુ ખાતે રમાઇ રહેલી ટુર્નામેન્ટમાં આજે કોણ જીતશે એ મહત્વનું છે.

ભારતના ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદ અને વિશ્વના નંબર વન ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન વચ્ચે ચેસ વર્લ્ડ કપની ફાઈનલની બીજી રમત પણ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. હવે આજે - ગુરુવારે ટાઈબ્રેકરથી વર્લ્ડ કપની ફાઇનલમાં વિજેતા નક્કી થશે. એ દ્વારા દુનિયાને નવો ચેસ ચેમ્પિયન મળશે. પ્રથમ ગેમમાં 35 ચાલ બાદ બંને ખેલાડીઓ મેચને ડ્રો પર સમાપ્ત કરવા સંમત થયા હતા. હવે બીજી ગેમમાં 30 ચાલ બાદ મેચ ડ્રો પર સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી. બીજા રાઉન્ડમાં 29 વર્ષીય ફ્રેંચી મેક્સિમ લેગાર્ડેને અને ત્રીજા રાઉન્ડમાં અનુભવી ડેવિડ નવારાને હરાવ્યા હતા. એ પછીના રાઉન્ડમાંપ્રજ્ઞાનંદે અમેરિકન ગ્રાન્ડમાસ્ટર અને વિશ્વના નંબર 2 હિકારુ નાકામુરાને ટાઈબ્રેકરમાં હરાવ્યો હતો. બંનેએ તેમના ચોથા રાઉન્ડના મુકાબલામાં તેમની બંને ક્લાસિકલ રમતો ડ્રો કરી હતી. પાંચમા રાઉન્ડમાં હંગેરિયન ફેરેન્ક બર્કેસનો મુકાબલો પ્રજ્ઞાનંદ સામે હતો પરંતુ તે ભારતીય ખેલાડીઓ સાથે મુકાબલો કરી શક્યો નહોતો. જો કે એ પછી ક્વાર્ટર ફાઇનલમાં ભારતના જ બંને ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો. પ્રજ્ઞાનંદેદેશવાસી અર્જુન અર્ગિસને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 2002 માં વિશ્વનાથન આનંદ પછી 31 વર્ષીય પ્રથમ ભારતીય બન્યો હતો જેણે સેમિફાઇનલમાં તેના પ્રતિસ્પર્ધી વિશ્વના નંબર 3 ફેબિયાનો કારવાનાને હરાવીને FIDE વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

હવે આજે બધાની નજર બાકુ પર મંડાયેલી રહેશે. શું કાર્લસનને હરાવીને પ્રજ્ઞાનંદ વિશ્વ ચેમ્પિયન બનશે કે કાર્લસન તેનો તાજ જાળવી શકશે ? ચંદ્ર વિજય મેળવ્યા પછી આજે ચેસ વિજય માટેની આશા ખોટી તો નથી જ. બેસ્ટ ઓફ લક પ્રજ્ઞાનંદ.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.