આજથી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. શિવજીની આરાધનાનો મહિનો છે. આખો મહિનો શિવજીની ભક્તિ કરીને સૌને શુભ ફળે એવા મનોરથ.
વિનય જ્ઞાનનો દ્યોતક છે, અહંકાર અજ્ઞાનનો પરિચાયક છે. વિનમ્ર થઇને શિવને શરણે જવાય એશિવની આરાધનાનું પહેલું પગથિયું છે. દીવો સૂર્યને પ્રકાશિત કરી શકેનહીં, પણ સૂર્યની આરતી તો દીવાથી જ ઉતારી શકાય એ વાત પણ સમજવા જેવી છે. ખરો બોધ અહીંથી જ શરૂ થાય છે. સ્વાભાવિક છે કે શિવને ઓળખવા માટે જીવને પણ ઓળખવો પડે. જીવ એટલે સંસારમાં રહેતા જીવો નહીં. એ પણ સત્ય છે કે જીવ જ શિવ બની શકે. જીવ એટલે ચૈતન્ય. આત્મજ્ઞાન થયા પહેલાં કોઇ વ્યક્તિ પરોપકારી બની શકતી નથી. સ્વયંને જાણ્યા વિના એ ક્રાંતિ શક્ય નથી.
સ્વાભાવિક છે કે જીવથી શિવ ભણીની ગતિ જ ખરૂં જીવન છે. એ જીવન પામવા માટે એક વાત તો સમજવી જ પડશે કે ચૈતન્ય જ આત્મા છે. કોઇ કોઇનું નથી રે લોલ... એ લોકગીત ઘણું બધું કહી જાય છે. આ સ્મરણ થતું રહે ત્યારે ખરૂં જ્ઞાન હાથ લાગે છે. તમારા સિવાય તમારૂં કોઇ જ નથી, એનો સાંસારિક અર્થ તો સ્વાર્થી જ કહી શકાય. પરંતુ એ સ્મરણ અને એ પથ તો નિઃસ્વાર્થ છે. ચૈતન્ય સમજાઇ જાય તો બાકીના બધા પ્રત્યેનો મોહ છે, તે પીગળી જઇ શકે છે. મોહ પીગળી જાય તેનો અર્થ એ થાય કે બાકીના જીવ તમારાથી પર છે, એ સત્ય સમજાઇ જાય એટલે જીવનમાં ક્રાંતિ સર્જાવા માંડે. પરંતુ પોતાને પામવું એ પણ કઠીન છે. એમ તો આંખથી તમે બધું જુઓ છો, પણ તમને જોઇ શકો છો ? આંખથી બીજાને જ જુઓ છો, હાથથી તમે જે સ્પર્શ કરો છો, તે પણ બીજાને જ સ્પર્શ છે. એ દ્રષ્ટિએ જુઓ તો તમે તમને જોઇ શકતા જ નથી. તમે જ તમારાથી અપરિચીત છો. એ જ્ઞાન તમે પામશો, ત્યારે સમજાશે કે ચૈતન્ય જ ચેતના છે. કોઇનો પણ વિચાર કરી લો, કોણ તમારા માટે છે ? દરેક વ્યક્તિ સપના જુએ છે, એ સપના તે પોતાના માટે જ જોતો હોય છે. બીજા માટે નહીં. જ્યારે સપના પણ લોકો પોતાના માટે જુએ તો એ સત્ય સમજાઇ જવું જોઇએ કે તમારા સિવાય બીજું કોઇ તમારૂં નથી !
એ સત્ય જેટલું વહેલું સમજાઇ જશે, ત્યારે તમે તમારી જાતને વહેલી ઓળખી જશો. કદાચ, શિવ એટલે જ નૃત્યુ કરી શકે છે. શિવ ફક્ત વૈરાગી નથી, તેના વૈરાગમાં પણ નૃત્ય છે. એમ તો વિનાશનું કામ શિવના હાથમાં છે. અને એ કામમાં તેઓ શ્રેષ્ઠ છે. બોલો વિનાશમાં પણ શ્રેષ્ઠ તો મહાદેવ જ હોઇ શકે. એમ છતાં બે વાત સમજશો, તો જણાશે કે શિવ પણ પોતાનામાં જ મગ્ન છે. તાંડવ નૃત્ય તેનું પ્રતિક છે. તાંડવમાં જોશ છે, વિનાશલીલાનો પડઘો પડે છે. પરંતુ દર વખતે સંહાર માટે એ નૃત્ય નથી. શિવ આનંદમાં હોય ત્યારે પણ તાંડવ કરે છે. નૃત્ય કરતા શિવની કલ્પના એટલે જ નટરાજ ! શિવના અનેક સ્વરૂપ છે, તેમાં નૃત્ય કરતા શિવ એ મનમોહક છે. નટરાજને તમે ભૈરવ તરીકે પણ ઓળખતા હોઇ શકે છે. નટરાજ એ શિવજીનું ચતુર્ભુજ સ્વરૂપ છે. તેમના આ રૂપને પણ સમજવા જેવું છે. એક પગે અજ્ઞાનરૂપી રાક્ષસને દબાવી દીધો છે, તો બીજા પગમાં નૃત્યની મુદ્રા દેખાય છે. એક હાથમાં ડમરૂં છે, તો બીજા હાથમાં અગ્નિ છે, જે શિવના સંહારના કર્મના સંકેત આપે છે. મતલબ કે એક હાથે સર્જન થતું હોય એવું ડમરૂં છે, તો અગ્નિથી સંહાર થતો હોય એનો સંકેત છે. શરીર પરનો સાપ એ કુંડલિની શક્તિનું પ્રતિક છે.
About Team gujarat365
Gujarat 365 team.