આઝાદ ભારતના પહેલા કૌભાંડમાં પણ LIC !

6 min read
Thumbnail

આજકાલ અદાણી ગ્રુપની કંપનીઓ અંગે હિંડનબર્ગનો રીપોર્ટ આવ્યા બાદ શેરબજારમાં ભારે ઉથલપાછલ મચી છે. ખાસ તો એલઆઇસી અંગે વિપક્ષ આંગળી ચીંધી રહ્યો છે. એલઆઇસીએ અદાણીની કંપનીઓમાં ભારે રોકાણ કર્યું હતું અને હિંડનબર્ગનો રીપોર્ટ આવ્યા બાદ અદાણીના શેરમાં કડાકો બોલતો રહ્યો, પણ એલઆઇસીએ રોકાણ રોકડું ન કરતાં આજે તેને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણીની કંપનીઓમાં ખાનગી ફંડોએ લોકોના પૈસા રોક્યા ન હતા, ત્યારે એલઆઇસીના ફંડ મેનેજરોને કેમ અદાણીની કંપનીઓમાં ઉમળકો જાગ્યો હતો, એ પણ એક સવાલ છે. ખેર, એ આખો મુદ્દો બીજો છે. અહીં તો આપણે આઝાદ ભારતના પહેલાં કૌભાંડની વાત કરવાની છે. એ કૌભાંડમાં પણ એલઆઇસીનું નામ સંડોવાયું હતું.

19 જુન 1956 ના દિવસે સંસદે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એક્ટ પસાર કર્યો હતો. એ એક્ટ હેઠળ વીમા નિગમનો પાયો નંખાયો હતો અને 1 સપ્ટેમ્બર 1956 ના દિવસે એલઆઇસી અસ્તિત્વમાં આવી હતી. જો કે જાણે કાળ ચોઘડિયામાં તેની સ્થાપના થઇ હોય એમ સ્થાપનાના એક જ વર્ષમાં એલઆઇસી સામે સંસદમાં ભારે હંગામો મચી ગયો હતો. એલઆઇસીની સ્થાપના થઇ ત્યારે સરકારે એ સમયે 5 કરોડનું રોકાણ કર્યું હતું. આઝાદ ભારતની સરકારે બનાવેલી એક પહેલી મોટી સંસ્થા હતી. એલઆઇસીની નીતિ એવી ઘડવામાં આવી હતી કે તે પ્રતિષ્ઠિત કંપનીઓના શેરમાં નાણાં રોકી શકતી હતી. એલઆઇસી વીમા કંપની છે. લોકોના જીવન માટે વીમા લે છે. લોકો પોલિસી ખરીદી તેને માટે પૈસા ભરે છે. ગ્રાહકોની પોલિસીના નાણાંમાંથી 70 થી 75 ટકા નાણાં સરકારી સિક્યોરિટીમાં રોકે છે, જ્યારે બાકીને 20 થી 25 ટકા નાણાં શેર બજારમાં રોકી શકે છે. હાલમાં એલઆઇસીના 25 કરોડ પોલિસી ધારક છે.

16 ડિસેમ્બર 1957. કોંગ્રેસના સાંસદ ફિરોઝ ગાંધીની અર્જન્ટ નોટીસના આધારે લોકસભાના સ્પીકરે તેમને બોલવાની મંજૂરી આપી હતી. ફિરોઝ ગાંધી એટલે એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જમાઇ અને ઇન્દિરા ગાંધીના પતિ, તથા કોંગ્રેસના સાંસદ. આજે તો પક્ષના શિસ્તના નામે કોઇ ચૂં કે ચાં કરી શકતું નથી. પરંતુ એ સમયે લોકતાંત્રિક મૂલ્યોનું જતન થતું અને તેથી જ સાંસદ ફિરોઝ ગાંધીએ સસરા જવાહરલાલ નેહરૂની સરકારનું કૌભાંડ જાહેર કર્યું અને તમામ પુરાવા પણ રજુ કર્યા.

1957 માં કોલકાતાના ઉદ્યોગપતિ અને સટોડિયા હરિદાસ મૂંદડાએ જે છ કંપનીઓમાં પૈસા રોક્યા હતા. એ કંપનીમાં એલઆઇસીએ બજાર કરતાં પણ ઊંચા ભાવે પૈસા રોક્યા હતા ! એ વખતે મૂંદડાની કંપની 1.20 કરોડ રૂપિયાની હતી, પણ કંપની પર 5.25 કરોડ રૂપિયાનું દેવું થઇ ગયું હતું. એ કંપનીના શેર ખરીદવાને કારણે એલઆઇસીને એ સમયે 37 લાખ રૂપિયાની ખોટ ગઇ હતી. વાસ્તવમાં એ વખતે તો એ છ કંપનીઓનો બ્લુ ચીપ કંપનીમાં પણ સમાવેશ થતો ન હતો. મતલબ કે સરકારી દબાણ વિના એ શક્ય થાય એમ ન હતું. મૂંદડાની ગણતરી એવી હતી કે સરકારી રોકાણ એ કંપનીઓમાં થઇ રહ્યું છે, એવું દેખાડીને હરિદાસ મૂંદડા એ છ કંપનીઓના ભાવ ઊંચે જાય અને એમાંથી ઊંચો નફો રળી લે. ફિરોઝ ગાંધીએ સસરા જવાહરલાલ નેહરૂની સરકાર પર સીધો આક્ષેપ કર્યો હતો કે સરકારે મૂંદડાને ફાયદો કરાવવા માટે તેમની કંપનીઓમાં એલઆઇસીએ રોકાણ કર્યું હતું. એલઆઇસીએ સરકારના દબાણમાં 1.24 કરોડનો બોગસ સ્ટોક ખરીદ્યો હતો, એવો આક્ષેપ ફિરોઝ ગાંધીએ કર્યો હતો. વધુ આકરો આક્ષેપ તો એ હતો કે મૂંદડાને ફાયદો કરાવવાના બદલામાં કોંગ્રેસને 2.5 લાખનું ફંડ મળ્યું હતું.

ફિરોઝ ગાંધી કોંગ્રેસ સરકારના જ સાંસદ હતા, છતાં સરકારને સંસદમાં ઘેરી રહ્યા હતા. એ ખરૂં કે જવાહરલાલ નેહરૂની એમાં સીધી કોઇ જ સંડોવણી ન હતી. પરંતુ ફિરોઝ ગાંધીએ જે રીતે સંસદ ગજવી હતી, તેથી સરકારની નાલેશી થઇ હતી. વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ તરત જ આ કૌભાંડની તપાસ કરાવવા માટે એક નિવૃત્ત જજનું એક તપાસ પંચ નીમ્યું હતું.

મુંબઇ હાઇકોર્ટના નિવૃત્ત જજ એમ.સી. છાગલાની અધ્યક્ષતામાં એક તપાસ પંચ નીમાયું હતું. આજે તો તપાસ પંચ શું કામ કરે છે એ પણ લોકોને ખબર પડતી નથી. તેની તપાસ નિર્ધારીત સમયમાં પુરી થાય કે કેમ એ પણ શંકા રહે છે. પરંતુ એ સમયની વાત જ અલગ હતી. જજ છાગલાની અધ્યક્ષતામાં તપાસ પંચે ઓપન કોર્ટમાં 24 દિવસ તપાસ કરી. એ બાદ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો, ત્યારે નેહરૂ સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. જજ છાગલાએ તેમના તપાસ હેવાલમાં નેહરૂ સરકારના નાણાં મંત્રી ટી.ટી. કૃષ્ણમચારી, નાણાં સચિવ એચ.એમ.પટેલ અને એલઆઇસીના કેટલાક ઓફિસરોને આ કૌભાંડમાં દોષિત ઠેરવ્યા હતા. આજે તો હેવાલ ક્યાંય ધૂળ ખાતો પડી રહે છે, પરંતુ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ એ તપાસ પંચના હેવાલનો સ્વીકાર કર્યો અને નાણાં મંત્રી કૃષ્ણમચારી, નાણાં સચિવ એચ.એમ.પટેલ અને એલઆઇસીના તત્કાલિન ચેરમેનના રાજીનામા લઇ લીધા હતા. આ કેસમાં હરિદાસ મૂંદડાને 22 વર્ષની સજા થઇ હતી. 6 જાન્યુઆરી 2018 ના દિવસે મૂંદડાનું મૃત્યુ થયું હતું.

આખું કૌભાંડ બહાર લાવનારા ફિરોઝ ગાંધી સરકારના પક્ષના જ સાંસદ હતા, છતાં તેઓ પોતાની વાત કહી શક્યા એ લોકતાંત્રિક મૂલ્યોને કારણે જ શક્ય બન્યું હતું. ઉપરાંત સસરાની સરકાર સામે આંગળી ચીંધવાની હતી, છતાં સબંધમાં ચૂપ રહેવાનું તેમણે મુનાસીબ ન માન્યું. એ ખરૂં કે આ ઘટનાને પગલે સસરા અને જમાઇ વચ્ચેના સબંધમાં થોડી ખટાશ જરૂર આવી ગઇ. પરંતુ એ અંગે બંનેએ ક્યારેય કોઇ કડવાશ જાહેરમાં ઠાલવી ન હતી. ફિરોઝ ગાંધી ફક્ત રાજકારણી ન હતા. તેઓ પત્રકાર પણ હતા. નેશનલ હેરાલ્ડ અને નવજીવન જેવા અખબારોમાં કામ કરતા હતા. 1952માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી પહેલી વખત જીતીને સાંસદ બન્યા, એ પછી પણ તેઓ જીતતા ગયા.

આઝાદ ભારતનું પહેલું આર્થિક કૌભાંડ બહાર આવ્યું અને સજા પણ થઇ. જો કે એ વખતે તપાસ પંચે એલઆઇસી માટે કેટલાક સુચનો કર્યા હતા. પરંતુ એ સુચનોનો અમલ થતો હોય એમ લાગતું નથી. જો એ સુચનો અમલી બન્યા હોત તો આજે અદાણીના કિસ્સામાં એલઆઇસી ભેરવાઇ જ ન હોત. જસ્ટિસ છાગલાએ કૌભાંડ રોકવા માટે જે સુચનો કર્યા હતા, તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, એલઆઇસીએ પોલિસી ધારકોના હિતમાં કામ કરવું જોઇએ,નહીં કે કોઇના લાભાલાભ માટે. એ ઉપરાંત સરકાર એલઆઇસીના કામમાં વધુ હસ્તક્ષેપ ન કરે. એ માટે એલઆઇસીને સ્વાયત્ત તો રખાઇ, પણ તેની સ્વાયત્તતા કેટલી કારગર છે, એ તો સૌ જાણે જ છે.

Ashok Patel

About Ashok Patel

I am a journalist, interested in science, especially astronomy.