મહારાષ્ટ્રમાં તાલીમાર્થી IAS પૂજા ખેડકરની છેતરપિંડી પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે પાંચ IAS અધિકારીઓના પ્રમાણપત્રોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ પાંચ અધિકારીઓ ફરી મેડિકલ કરાવશે. જેમાં તેમની વિકલાંગતાની તપાસ કરવામાં આવશે.
પૂજા ખેડકરની છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ, UPSC દ્વારા IASમાં તેની પસંદગી રદ કરવામાં આવી છે. ગુજરાતમાં ડિસેબિલિટી ક્વોટા હેઠળ IAS બનેલા પાંચ અધિકારીઓની મેડિકલ તપાસને લઈને ફરીથી ખળભળાટ મચી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા.
ગુજરાત કેડરના આ અધિકારીઓએ 'લોકોમોટિવ ડિસેબિલિટી'નું કારણ દર્શાવીને ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે ગુજરાતના પાંચ IAS અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રો પર શંકા વ્યક્ત કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ અંધત્વનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગતા પ્રમાણપત્રોમાં 'લોકોમોટિવ ડિસેબિલિટી'નો ઉલ્લેખ કર્યો છે.
સામાન્ય વહીવટ વિભાગે પાંચ IAS અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રો પર સંદેહ વ્યક્ત કરતાં તેમની તુરંત મેડિકલ તપાસ કરવામાં આવશે. આ અધિકારીઓની મેડિકલ તપાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એઈમ્સમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
About Team gujarat365
Gujarat 365 team.