12 માર્ચ 1930
મહાત્મા ગાંધીની જય...
એ નારા સાથે કૂચ શરૂ થાય એ પહેલાં સાબરમતી આશ્રમે તો કિડિયારૂં ભેગું થયું હતું. આખી રાત લોકો જાગતા રહ્યા હતા. આજે તો ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન ઊંચું રહે છે, તેથી અમદાવાદમાં તો માર્ચમાં એસી ચાલુ કરવું પડે એ સમય છે, પરંતુ નેવું વર્ષ પહેલાં તો માર્ચમાં એવી ઠંડી પડતી હતી કે રાતે જાગરણ કરનારાઓએ સાબરમતી આશ્રમમાં તાપણું કરવું પડ્યું હતું !
મીરાંબેને તો લખ્યું છે કે, દાંડીકૂચની આગલી રાત્રે આખો આશ્રમ જાગતો હતો. મધરાતે પણ લોકો આશ્રમમાં આવતા હતા. ફક્ત એક જ વ્યક્તિ સુતી હતી અને તે ગાંધી બાપુ. ઉજાગરો અને ઠંડીના ચમકારા છતાં હકડેકઠ મેદની આશ્રમમાં એકઠી થઇ હતી. બાપુ તો નિરાંતે સુઇ ગયા હતા. સવારે ચારના ટકોરે લોકો પ્રાર્થનાભૂમિ તરફ જવા માંડ્યા. બાપુ પણ નિત્યક્રમ પ્રમાણે ઉઠ્યા અને એક બાજુ અબ્બાસ તૈયબજી તથા બીજી બાજુ પ્રભાશંકર પટણીને લઇને પ્રાર્થના સભામાં પહોંચ્યા. પંડિત ખરેએ ભજન ગાયું. પ્રાર્થના પુરી થઇ એ સાથે પદયાત્રીઓ તૈયારીમાં પડ્યા. કૂચ માટે હજુ વાર હતી, તેથી ગાંધીજીએ તો બાકીની ઊંઘ પૂરી કરવાનું કામ કર્યું. કૂચ માટે 6.20 કલાકો એકત્ર થવાનું હતું, તે પહેલાં તો ગાંધીજી તૈયાર થઇ ગયા. જો કે ત્યાં જ તેમને અચાનક એક આશ્રમવાસીની દીકરી માંદી હોવાનું યાદ આવતાં તેમના ઘરે પહોંચી ગયા. સાંત્વના આપવા સાથે સુચના આપી તરત પાછા ફર્યા. જ્યાં દેશને આઝાદ કરવાની મોટી લડત ઉપાડી હોય, ત્યાં નાની નાની બાબતો તો કોણ યાદ રાખે અને એ પણ નિઃસ્વાર્થભાવે ! પરંતુ આ તો ગાંધીજી હતા, તે થોડા ભુલે ? એટલે તો મહાત્મા કહેવાયા, નહીંતર આજે સ્વાર્થ માટે લોકો બધું યાદ રાખતા હોય છે, તેમને થોડા મૂઠી ઉંચેરા ગણાય ?
હજુ તો આશ્રમની હવામાં આગલી સાંજનું ગાંધીજીના શબ્દો ઘૂમરાતા હતા. આશ્રમમાં સાંજે યોજાયેલી પ્રાર્થનાસભાને સંબોધતા કહ્યું હતું કે-
એ સાવ સંભવિત છે કે આજે તમારી સમક્ષ મારું આ છેલ્લું વ્યાખ્યાન હોય. સવારે સરકાર મને કૂચ કરવા દેશે, તો પણ સાબરમતીના પવિત્ર કાંઠે તો આ છેલ્લું જ ભાષણ હશે અથવા મારી જીંદગીનું પણ આ છેલ્લું જ ભાષણ હોય.
શું સરકાર બાપુને પકડી લેશે એવો ઉચાટ સૌના ચહેરા પર વંચાતો હતો, પરંતુ બાપુ તો નિરાંતમાં હતા, તેમણે તો સુચના આપી દીધી કે પોતે પકડાઇ જાય તો પણ બાકીના સત્યાગ્રહીઓએ કૂચ ચાલુ રાખવી. તમામ પદયાત્રીઓ તો તૈયાર જ હતા.
જો કે પત્રકાર મધુકર ઉપાધ્યાય લખે છે કે દાંડીયાત્રા શરૂ થઇ તેના દોઢ કલાક પહેલાં જ યાત્રીઓની યાદી નક્કી થઇ હતી. સવારે પ્રાર્થના સભામાં ગાંધીએ નમક કાયદાની વાત સુદ્ધાં કરી ન હતી. તેમનું આખું ભાષણ ધ્યેયની પવિત્રતા અને શુદ્ધતા તથા આત્મબળ ઉપર જ હતું. બ્રહ્મચર્ય અને ફકીરી ઉપર હતું. તેમણે તેને ધર્મયુદ્ધ જ ગણાવ્યું હતું. મને એમ લાગે છે કે ગાંધીજીને આઝાદી પછીના દેશ અંગે ખ્યાલ આવી ગયો હોવો જોઇએ. એ કારણથી જ સવારે કૂચ શરૂ થાય એ પહેલાંના ભાષણમાં તેઓ કૂચ અંગે વાત કરતા નથી, તેને બદલે મૂલ્યોની વાત કરે છે. મૂલ્ય વિના દેશ ખોખલો થઇ જાય એ વાતનો તેમને અંદેશો હોવો જ જોઇએ. બ્રહ્મચર્યની વાત કદાચ ઘણાને પસંદ નહીં આવે, પણ વસ્તી વિસ્ફોટ સંદર્ભે જ તેમણે બ્રહ્મચર્યની વાત કરી હોવી જોઇએ, તો ફકીરીની વાત તો સહજ જ ગણાય. ગરીબ દેશના વડાને ભપકો થોડો પોસાય ? એ તો પ્રજાનો દ્રોહ જ ગણાય. લોકતાંત્રિક દેશમાં એવો દ્રોહ માફ કરી ન શકાય. તેમણે હિન્દુ મુસ્લિમ એકતાની પણ વાત કરી હતી. સ્વાભાવિક છે કે તેમને સાંપ્રદાયિક સૌહાર્દની પણ ચિંતા હતી. સાંપ્રદાયિક સદભાવના મહત્વની તેમને ખબર હતી. પરંતુ તેમની એ તમામ ચિંતા હવે સાવ એળે ગઇ હોય એવું લાગ્યા વિના નહીં રહે.
આ લખાય છે, ત્યારે ઇઝરાઇલમાં પાંચેક લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઇઝરાઇલી સરકાર ન્યાયતંત્રમાં જે ફેરફાર લાવવા ઇચ્છે છે, તેનાથી સરમુખત્યારશાહી જ આડકતરી રીતે આવી જશે એવી લોકોને આશંકા છે અને તેથી જ એ ફેરફારો સામે લોકો અહિંસા સાથે રસ્તા પર ઉતરી પડ્યા હતા. પેલેસ્ટાઇન લોકો સામે ઇંટ કા જવાબ પથ્થરથી આપતી પ્રજા ન્યાયતંત્રને બચાવવા માટે અહિંસાનો આસરો લે એ પણ ગાંધીજીની જ અસર ગણાય ને ?
સવારે કૂચનો સમય થયો એટલે કસ્તુરબાએ બાપુને તિલક કર્યું અને સૂતરનો હાર પહેરાવ્યો. કસ્તુરબા માટે એ ઘડી દેશ માટે ન્યોછાવર કરવાની ધન્ય ઘડી હતી. ફક્ત પતિ જ નહીં પુત્ર અને પૌત્ર પણ એ કૂચમાં જોડાયા હતા, ત્યારે કાકાસાહેબ કાલેલકરે ગાંધીજીને ચાલવા માટે લાકડી આપી અને તે જગમશહૂર થઇ ગઇ. દરેક યાત્રીએ ખભે એક બગલથેલો રાખ્યો હતો, જેમાં કપડાં, ઓઢવા પાથરવાની ચાદર, રોજનીશી લખવા માટે નોટ તથા પેન અને કાંતવા માટે તકલી પૂણી હતા. ગાંધીજીના ખભે બે થેલી હતી...
ને બરાબર 6.20 કલાકે ગાંધીજીએ પગ ઉપાડ્યો કે તરત જ કોઇએ ગગનનાદ કરાવ્યો- મહાત્મા ગાંધી કી જય... સાબરમતીથી -79 દાંડીયાત્રીઓએ કૂચ આરંભ કરી. કૂચ આશ્રમથી ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આવી પહોંચી હતી. ગાંધીજીએ જ 18 ઓક્ટોબર 1920 ના દિવસે વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ગાંધીજી અહીં થોભ્યા. વિદ્યાપીઠ ખાતે નરહરી પરીખના પત્ની મણિબહેને બાપુને તિલક કર્યું અને નાની બાળકીએ બાપુને સૂતરની આંટી પહેરાવી. વધુ રોકાણ કર્યા વિના પદયાત્રીઓ આગળ વધી ગયા અને બરાબર બે કલાકે સવારે 8.30 કલાકે દાંડીયાત્રીઓ સવારે ચંડોળા તળાવ પહોંચ્યા હતા. આ યાત્રાની તૈયારી એવી થઇ હતી કે બાપુ તથા બીજા યાત્રીઓ કોઇ પણ સ્થળે પહોંચે અને વિરામ કરવાના હોય એ પહેલાં એક અરુણ ટુકડી યાત્રીઓના ઉતારા, ભોજન, ગ્રામ સફાઇજેવી સુવિધા ગોઠવવામાં મદદ કરવાની. અરુણ ટુકડીની જવાબદારી ફક્ત દાંડીયાત્રીઓની સુવિધા સાચવવાની ન હતી. એ ટુકડીએ ગામમાં જઇને કેટલી વસ્તી, કઇ કઇ કોમના લોકો વસે, સ્ત્રી- પુરૂષ તથા બાળકોની વસ્તી, અસ્પૃશ્યોની વસ્તી, અભ્યાસ કરતા બાળકોની સંખ્યા અને તેના જેવી બીજી અનેક માહિતી બાપુ આવે એ પહેલાં તૈયાર રાખવાની હતી.
ચંડોળા તળાવ પર પહોંચી ગાંધીજીએ કૂચ થંભાવી હતી. સત્યાગ્રહીઓને થોડો વિરામ લેવાનું જણાવી બાપુએ એકઠા થયેલા લોકોને સંબોધન કરતાં કહ્યું –
તમે મારા ઉપર આટલો પ્રેમ દેખાડો, તે ત્યારે જ સાચો કહેવાય કે જ્યારે તમે ખાદીનું કામ કરો, પરદેશીઓને કાઢો, રેટીંયો ચલાવો, અત્યંજ સાથેનો ભેદભાવ ભૂલો...
એ વાત સો આના સાચી નથી લાગતી ? આ મૂલ્યોની ત્યારે વધુ જરૂર હતી અને એ મૂલ્યો વિનાનો રાષ્ટ્રપ્રેમ ખોખલો જ ગણાય. એ પછી ફરીથી સત્યાગ્રહીઓએ દાંડી તરફ જવા માટે ફરીથી કૂચ આરંભી હતી. સાંજે અમદાવાદના સિમાડે આવેલા અસલાલી ગામે સત્યાગ્રહીઓ પહોંચી ગયા. એ ધૂળિયા રસ્તામાં પણ કૂચને કોઇ અવરોધ નડતો ન હતો. આજે તો અમદાવાદના રસ્તાઓ ડામર કે આસ્ફાટના થઇ ગયા છે, જો કે તેથી ગરમી પણ વધુ લાગતી હોય તો નવાઇ નહીં.
અસલાલીના લોકો બાપુને આવકારવા માટે એકાદ કિલોમીટર આગળ આવી ગયા હતા. ગાંધીજીની એક થેલી પૌત્ર કાંતિભાઇએ ઉપાડ્યો હતો. એ થેલી અસલાલીના મુખીએ ઉપાડી લીધી એટલે ગાંધીજીએ ઠપકો આપ્યો. ગાંધીજી માનતા હતા કે કૂચના સાથીઓ એકબીજાને મદદ કરે એ સમજ્યા, પણ બીજા કોઇને એ સામાન ઉઠાવવા ન દેવાય. અસલાલીમાં તેમણે લોકોને સંબોધન કરતાં મીઠાનું અર્થશાસ્ત્ર પણ સમજાવ્યું હતું ! એ પછી અસલાલીના ગામે લોકોએ ફાળો ઉઘરાવ્યો હતો. 101 રૂપિયાનો ફાળો ગામે ઉઘરાવી આપ્યો. જો કે સૌથી મહત્વનું પગલું એ હતું કે, ગામના પોલીસપટેલ અને સહાયકે સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની શરૂઆત કરી સરકારી કર્મચારીઓમાં રાષ્ટ્રપ્રેમ જગાડવાનો પણ પ્રારંભ થયો.
સંબોધન કરતાં બાપુએ કહ્યું કે- દાંડી કૂચના દસ દિવસ પહેલાં નમક સત્યાગ્રહ અંગે વાઇસરોયને પત્ર લખી તેની જાણકારી આપી હતી. જો કે તેનો જવાબ વાઇસરોયના ખાનગી સચિવે ફક્ત ચાર જ લીંટીમાં જવાબ આપ્યો. જવાબમાં લખ્યું હતું કે, સરકારને એ જાણીને દુઃખ થયું કે તમે એક એવો માર્ગ અપનાવ્યો છે, જેનાથી સ્પષ્ટ કાયદાનો ભંગ થશે અને સાર્વજનિક શાંતિ જોખમમાં પડી જશે.
ગાંધીએ એ જવાબને નકારી કાઢતા કહ્યું કે- મેં તો ઘૂંટણીયે પડી રોટલીની ભીખ માંગી હતી અને મળ્યો પથ્થર. એક કલાક ચાલેલી સભા બાદ સત્યાગ્રહીઓએ ખીચડી, ઘી, દૂધ અને છાશનું ભોજન લીધું અને એ બાદ બીજા દિવસની તૈયારી શરૂ થઇ...
About Ashok Patel
I am a journalist, interested in science, especially astronomy.