તો જ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની શકશે !

2 min read
Thumbnail

ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે એક કોઠો ભેદવો પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને 4-1થી હરાવવી પડશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં આજ સુધી કોઈપણ શ્રેણીમાં 2થી વધુ મેચ જીતી શકી નથી. આ વખતે ઘરઆંગણે 3-0થી હારી ગયેલી ટીમ ઈન્ડિયા પાસેથી ઐતિહાસિક પ્રદર્શનની અપેક્ષા રાખવી સ્વપ્ન સમાન લાગી રહી છે.

જો કે, જ્યારે ટીમ ઈન્ડિયાએ 2018-19માં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતી હતી, ત્યાર બાદ ભારતે ખાસ કાઠું કાઢ્યું નથી. ભારતીય ટીમે 1947-48માં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ જીત 1959-60 શ્રેણીમાં મળી હતી, જો કે એ સીરીઝ ભારતની ધરતી પણ રમાઈ હતી.

ભારતે 1980-81ની ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ ન હારી હોય. 2018-19માં ભારતીય ટીમે વિરાટ કોહલીની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ શ્રેણી જીતી હતી. ભારતે 4 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. જ્યારે ભારતે 2020-21માં ફરીથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, ત્યારે તેણે સમાન અંતરથી શ્રેણી જીતી હતી. આ શ્રેણી જીત પહેલા કરતા વધુ ખાસ હતી કારણ કે આ પ્રવાસની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ વિરાટ એન્ડ કંપનીએ શાનદાર વાપસી કરીને શ્રેણી 2-1થી કબજે કરી હતી.

આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 4 મેચ જીતવી જરૂરી છે. સવાલ એ છે કે જે ટીમ આજ સુધી પ્રવાસમાં 3 મેચ પણ જીતી શકી નથી, તેની પાસે 4 મેચ જીતવાની અપેક્ષા રાખવી શું બેઈમાની નથી? જો કે ભારતે ઘણી વખત ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 4-0થી હરાવ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં આટલી મોટી જીત માત્ર એક સ્વપ્ન જ લાગે છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.