પાકિસ્તાનમાં મોંઘવારી મોં ફાડીને લોકોને પરેશાન કરી રહી છે. એક તરફ પાકિસ્તાનમાં આર્થિક બેહાલી વધી ગઇ છે, તો ગયા વર્ષે પૂરે પાકિસ્તાનીઓને વધુ પરેશાન કરી દીધા હતા, ત્યાં જ નવા વર્ષથી પાકિસ્તાનમાં મોંઘવારીનો એવો માર પડી રહ્યો છે કે પ્રજા ત્રાહિમામ થઇ ગયા છે. સૈન્ય અને પ્રજાના ખોફ વચ્ચે પાકિસ્તાનમાં રાજકિય સ્થિરતા રહેશે કે કેમ એ સવાલ રહે છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લાંબા સમયથી ખરાબ છે. વળીગયા વર્ષે પૂરના કારણે વધુ ચિંતાજનક બની ગઈ છે. પાકિસ્તાન આ આંચકામાંથી બહાર આવ્યું ન હતું કે હવે પાકિસ્તાનના લોકો પણ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. 6 જાન્યુઆરી, 2022 ના રોજપાકિસ્તાનમાં એક તરફ દૈનિક જરૂરિયાત જેવા કાંદાની કિંમત કિલોએ 36.7 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો હતી, જેના એક વર્ષ બાદ 5 જાન્યુઆરી, 2023 એ ભાવ વધીને કિલોગ્રામના 220 પાકિસ્તાની રૂપિયા થઈ ગયા છે. ગત વર્ષની સરખામણીએ જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 48 ટકા અને ડીઝલના ભાવમાં 61 ટકાનો વધારો થયો છે. અલબત્ત, તેની અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી છે.પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર, ગત વર્ષની સરખામણીમાં ચિકનના ભાવમાં 82 ટકાનો વધારો થયો, દાળના ભાવમાં 51 ટકાનો વધારો થયો. બાસમતી ચોખાના ભાવમાં સરસવના તેલના ભાવમાં 46 ટકા, દૂધના ભાવમાં 42 ટકા, દૂધના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે.
ડિસેમ્બર 2021માં પાકિસ્તાનમાં ફુગાવાનો દર 12.3 ટકા હતો, જે ડિસેમ્બર 2022 સુધીમાં વધીને 24.5 ટકા થઈ ગયો છે. બીજી તરફ મોંઘવારીનો સૌથી વધુ માર ખાદ્ય ચીજવસ્તુઓને પડ્યો છે. ખાદ્ય પદાર્થોનો ફુગાવાનો દર ડિસેમ્બર 2021માં 11.7 ટકા હતો, જે ડિસેમ્બર 2022માં વધીને 32.7 ટકા થયો છે. પાકિસ્તાન પણ ઘઉંની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. લોટ ઘણી જગ્યાએ ઉપલબ્ધ નથી અને જ્યાં તે ઉપલબ્ધ છે ત્યાં તેના ભાવ આસમાને છે. પાકિસ્તાનના કરાચી જેવા શહેરોમાં લોટની કિંમત 140-160 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઝડપથી ઘટી રહ્યો છે. ડિસેમ્બર 2022 સુધીમાં, પાકિસ્તાન પાસે વિદેશી હૂંડિયામણ માત્ર 11.4 અબજ ડોલર જ બચ્યું છે. ભૂતકાળમાં શ્રીલંકામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. સ્થિતિ જોઈને લાગે છે કે પાકિસ્તાન પણ શ્રીલંકાના રસ્તે આગળ વધી રહ્યું છે. પૂરને કારણે પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને લોકોના પુનર્વસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મોટી રકમની જરૂર છે. જોકે તાજેતરમાં જ જિનીવામાં યોજાયેલી કોન્ફરન્સમાં સંયુક્ત રાષ્ટ્રની મદદથી પાકિસ્તાનને પૂર પીડિતોની મદદ માટે અબજો ડોલરની આર્થિક મદદ મળી છે. જો કે પાકિસ્તાનની સ્થિતિને જોતા આ મદદ પણ અપૂરતી સાબિત થઈ શકે છે.
બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાન વિરોધી રોષ ભારે જોવા મળી રહ્યો છે. આ પહેલાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા. એ બાદ હવે ત્યાં પણ લોટની કિંમત આસમાને ચઢી છે, તેથી લોકોમાં પાકિસ્તાન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બલુચિસ્તાનની રાજધાની ક્વેટાના બરારી રોડ વિસ્તારમાં લોટની થેલી માટે દિવસો સુધી રસ્તા પર રાહ જોવી પડી રહી છે. બલૂચિસ્તાનમાં છેલ્લા બે સપ્તાહથી લોટની કટોકટી વધુ ઘેરી બની છે. રાજધાની ક્વેટામાં લોટની 20 કિલોની થેલીની કિંમત વધીને 2800 પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, તેની કિંમત રાજ્યના અન્ય વિસ્તારોમાં 3,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે.
દરમ્યાન સસ્તો લોટ ખરીદવા માટે પણ લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સામાન્ય લોકો સસ્તો લોટ મેળવવા માટે બે અઠવાડિયાથી ભારે દોડાદોડી કરવા છતાં લોટ સસ્તો મળતો નથી. અનેક પરિવારોમાં બધા ભુખે મરી રહ્યા છે. બાળકોને પણ ખવડાવવા માટે તેમની પાસે સુવિધા નથી. ક્યાંક સસ્તો લોટ મળી રહ્યાની વાત શરૂ થાય એટલે લોકો ત્યાં પડાપડી કરવા માંડે છે, પણ ઘણા લોકોને સસ્તો લોટ મળતો નથી. લાંબી રાહ જોયા પછી પણ લોટ ન મળે તો લોકો બળજબરીથી રોડ બ્લોક કરી દે છે અને તેને પગલે દોડી આવતી પોલીસ તેમના પર અત્યાચાર પણ ગુજારે છે. મદદની અપેક્ષા સાથે જિનીવા પહોંચેલા પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફ પાસે અત્યારે આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલૂચિસ્તાનમાં સ્થિતિ નિયંત્રણ બહાર છે.
About Ashok Patel
I am a journalist, interested in science, especially astronomy.