અંબાજી તથા દાહોદમાં માવઠું થયું હતું. વાદળછાયા વાતાવરણમાં અચાનક જ વરસાદ પડતાં ગરમીમાં રાહત થઇ હતી. જો કે ખેડૂતને ચિંતા વધી છે. ઝાલોદના મીરાખેડી ગામમાં કરા પડ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવીને વરસાદ પડશે એવી આગાહી હવામાન ખાતાએ કરી જ છે.
જળવાયુ પરિવર્તનનો અનુભવ હવે થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જઇ રહ્યો છે. સતત ગરમી વધી રહી છે અને માર્ચ મહિનો પણ ગરમીના વિક્રમ સર્જી ગયા બાદ એપ્રિલમાં પણ રેકોર્ડબ્રેક ગરમી પડે એવા એંધાણ વચ્ચે ભર ઉનાળે વરસાદની આગાહી થઇ છે. હવામાન ખાતાની આગાહી મુજબ 12 અને 13 એપ્રિલે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સિસને કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. ગુરૂવારે બપોર પછી અંબાજી તથા દાહોદ વિસ્તારમાં માવઠું થયું છે. ઝાલોદના લીમડી તથા વરોડા અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદ પડવાને કારણે ગરમીમાં રાહત જરૂર મળી છે. પરંતુ કેરીના પાકને નુકશાન થવાની ભીતિથી ખેડૂત ચિંતિત બન્યો છે. ઝાલોદના મીરાખેડી અને તંબોઇ ગામમાં તો ભર ઉનાળે ભર બપોરે કરાં પડ્યા હતા. એ જ રીતે અંબાજી પંથકમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવવા સાથે વરસાદ પડ્યો હતો.
યાદ રહે કે રાજ્યમાં 15 મી સુધી માવઠું થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. આ ત્રણ દિવસ દરમ્યાન ભરૂચ, સુરત, નવસારી, વલસાજ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છમાં વરસાદ પડે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં પણ ક્યાંક વીજળી સાથે હળવો વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.
About Team gujarat365
Gujarat 365 team.