ઉધના રેલવે સ્ટેશને એવું તે શું બનશે, જે સુરત સહિત રાજ્યમાં ચાર જ સ્થળોએ છે ?

2 min read
Thumbnail

દેશનું નંબર વન ગ્રીન સ્ટેશન કયું છે, ખબર ?

સુરતમાં જ સામેલ ગણાતું ઉધના રેલવે સ્ટેશન નંબર વન ગ્રીન સ્ટેશન છે. હવે દેશમાં જ્યારે 1275 રેલવે સ્ટેશનોને આધુનિક બનાવાઇ રહ્યા છે, ત્યારે ઉઘના રેલવે સ્ટેશનને પણ 223.6 કરોડના ખર્ચે આધુનિક બનાવાઇ રહ્યું છે. સુરતની એ શાન બની રહે એમ છે. એમ પણ ઉધના જંક્સન સ્ટેશન છે. અહીંથી પશ્ચિમમાં મુંબઇ- અમદાવાદ રેલવે તો દોડે જ છે, સાથે સાથે ભુસાવલ જવા માટેની ગાડી પણ અહીંથી જ મહારાષ્ટ્ર તરફ રવાના થાય છે. હવે આ સ્ટેશનને પણ આધુનિક બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બે વર્ષમાં આ સ્ટેશન નવા રંગરૂપ સાથે સજ્જ થઇ જશે એવી ગણતરી મુકાઇ રહી છે. એન્જિનિયરિંગ ખરીદ અને નિર્માણ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. સાઇટ સર્વે, જિયો ટેકનિકલ અન્વેષણ અને માટી ચકાસણીનું કામ પણ પૂરૂં થઇ જવા સાથે પશ્ચિમ દિશામાં આવેલા આરપીએફ ક્વાર્ટ્સ પણ તોડી પાડવામાં આવ્યા છે. નવા ક્વાર્ટ્સનું કામ પણ પૂર્ણ જોશમાં શરૂ થઇ ગયું છે.

પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટરો ખસેડવામાં આવ્યા છે. નવી પીઆરએસ કાર્યરત કરવામાં આવી છે. પૂર્વ બાજુના સ્ટેશન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર સુપર સ્ટ્રક્ચર કોલમ વર્ક, સ્લેબ વર્ક અને સીડીની સાથે સાથે લિફ્ટ વોલનું કામ પણ ચાલી રહ્યું છે. પૂર્વ બાજુએ સરક્યુલેટીંગ એરિયામાં રોડ અને પાર્કિંગ માટે પણ કામ ચાલુ છે. નવા ફૂટ ઓવરબ્રિજનું કામ પણ શરૂ થઇ ગયું છે.

રેલવે સ્ટેશનની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ નવા સ્ટેશન બિલ્ડિંગ બનાવવાની દરખાસ્ત છે. એ બંને બિલ્ડિંગોને એફઓબી દ્વારા જોડવામા આવશે. ઉપરાંત શ્રેષ્ઠ કનેક્ટીવિટીની સુવિધા માટે ટ્રેક અને પ્લેટફોર્મ પર એક એર કોનકોર્સ પણ હશે. પ્લેટફોર્મ ઉપર ભીડ બહુ ન થાય એ માટે વધુ વેઇટીંગ સ્પેસ પણ હશે. કોન્કોર્સ વિસ્તાર 2440 ચોરસ મીટરમાં હોવાને કારણે સ્ટેશન પર મોકળાશ રહેશે.

સુરતમાં ભાગાતળાવ ખાતે દોઢસો વર્ષ કરતાં જૂનું ક્લોક ટાવર છે. હવે ઉધના મુખ્ય સ્ટેશન બિલ્ડીંગની પૂર્વ તરફ સરક્યુલેટીંગ એરિયામાં એક ક્લોક ટાવર પણ હશે. રેલવે વિભાગ તેને આઇકોનિક બનાવવા માટે કમર કસી ચુક્યું છે. પશ્ચિમ તરફના અગ્રભાગની થીમ ઉધના શહેરના પરિવેશ જેવી જ રહેશે, તેને કારણે ઉધના સ્ટેશનની અલગ ઓળખ બની રહેશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.