સચીનમાં રેલવે પરનો સૌથી લાંબો સ્પાન ધરાવતો બ્રિજ બનશે

2 min read
Thumbnail

સચીન અને સુરતને જોડતા રેલવે ઓવરબ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં એક જ ટુ લેન બ્રિજ ચાલુ હોવાને કારણે સચીન ઓવરબ્રિજ ખાતે ટ્રાફિક જામની સમસ્યા રહે છે. પરંતુ હવે જુના બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, ત્યારે ટ્રાફિક જામની સમસ્યામાંથી આ બ્રિજ બનતાં છુટકારો મળી જશે. આ સૌથી લાંબો સ્પાન ધરાવતો બ્રિજ બનશે.

નવસારી અને સુરતનો ટ્વીન સિટી તરીકે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે બંને મહાનગરો વચ્ચે વાહન વ્યવહાર પણ ખૂબ વધી રહ્યો છે. અત્યારે સચીન અને ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચે બે બ્રિજ કાર્યરત છે, પરંતુ ટ્રાફિકનું સૌથી વધુ ભારણ સુડાએ બનાવેલા બ્રિજ ઉપર રહે છે. એક તરફ સુડાનો બે લેનનો બ્રિજ છે, તો બીજી તરફ નેશનલ હાઈવે 53 નો બ્રિજ છે.

એ મોટો બ્રિજ છે, પરંતુ એ બ્રિજનો વધુ ઉપયોગ હાઈવે પરથી હજીરા જતા ભારે વાહનો જ વધુ કરે છે. પરંતુ રોજિંદા અવરજવર કરતા વાહનો સુડાએ બનાવેલા બ્રિજનો જ ઉપયોગ કરે છે. ટ્રાફિકના ભારણ સામે આ બ્રિજ બે લેન જ હોવાને કારણે પૂરતો નથી. વળી બ્રિજ પુરો થયા બાદ સુરતમાં જવા માટે નેશનલ હાઇવેના ઓવરબ્રિજ નીચેથી વાહનો પસાર થવા માટે વળાંક લેતા હોવાને કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે.

વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં લઈને અહીં સુરત જવા તથા સુરતથી બહાર જવા માટે બે બ્રિજની આવશ્યકતા છે. હવે જુના બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા દ્વારા બની રહેલા આ બ્રિજનો સ્પાન સૌથી લાંબો 250 ફૂટ ઓપનવેબ ગર્ડર બનશે. 9.5 મીટર પહોળો આ બ્રિજ ટુ લેન બનશે, તેથી સુડાના બ્રિજ પરનું ટ્રાફિકનું ભારણ વહેંચાઈ જશે.

સુરત વિસ્તારની વાત કરીએ તો ઉધના ચલથાણ તાપ્તી રેલવે લાઈન પર નિયોલ પાસે ડીએફસીસીઆઇએલનો ગુડ્સ ટ્રેક ઉપર બનેલો બ્રિજ 84 મીટર લાંબો છે, જ્યારે સાયણ સુગર ફેક્ટરી નજીક બુલેટ ટ્રેન માટે બનેલો બ્રિજ 100 મીટર લાંબો છે. પરંતુ સચીન નજીક બની રહેલો બ્રિજ બે રસ્તાને જોડતો હોય એ બ્રિજ સ્પાન લાંબો છે. આ બ્રિજ બોસ્ટ્રીંગ ગ્રડલ બ્રિજ બની રહ્યો છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.