રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલેનીનું જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. યામાલો-નેનેટ્સ પ્રદેશની જેલ સેવા દ્વારા એલેક્સી નવલેનીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલાં જ નવલેનીને આ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
યામાલો-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટની ફેડરલ પેનિટેન્ટરી સર્વિસે તેની વેબસાઇટ પોસ્ટમાં જણાવ્યું હતું કે શુક્રવારે વોક લીધા પછી નવલેનીએ અસ્વસ્થતા અનુભવી હતી અને લગભગ તરત જ બેહોશ થઈ ગયો હતો.નવલેની બેહોશ થઇ જતાં તરત જ બોલાવવામાં આવેલા તબીબી સ્ટાફે નવલેનીને મૃત જાહેર કર્યા હતા. જો કે તેના મૃત્યુનું કારણ હજુ જાણવા મળ્યું નથી.આવતા મહિને રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, ત્યારે વિપક્ષી નેતા નવલેનીના મોતને ગંભીર ઘટના ગણવામાં આવે છે.
દરમિયાન ક્રેમલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેલ સેવા નવલેનીના મૃત્યુની તમામ તપાસ કરી રહી છે. રશિયાના સૌથી અગ્રણી વિપક્ષી નેતા અને પુતિનના ઉગ્ર ટીકાકાર એલેક્સી નવલેનીને ગયા વર્ષે ઓગસ્ટમાં રશિયાની અદાલતે ઉગ્રવાદના આરોપમાં વધુ 19 વર્ષની જેલની સજા ફટકારી હતી. મોસ્કોથી લગભગ 1,900 કિમી (1,200 માઇલ) ઉત્તરપૂર્વમાં યામાલો-નેનેટ્સ પ્રદેશમાં કઠોર પરિસ્થિતિઓ માટે કુખ્યાત જેલમાં નવલેની સજા ભોગવતા હતા.
નવલેની જાન્યુઆરી 2021 થી રશિયામાં જેલમાં હતા.જર્મનીમાં નર્વ એજન્ટના હુમલામાંથી સાજા થયા બાદ મોસ્કો પરત ફર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. નવલેનીએ નર્વ એજન્ટ હુમલા માટે ક્રેમલિનને જવાબદાર ઠેરવ્યું હતું. ધરપકડ પહેલાં, તેમણે રશિયામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવી હતી અને મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ત્યારથી તેને ત્રણ વખત જેલમાં સજા કરવામાં આવી હતી.
About Team gujarat365
Gujarat 365 team.