નવા વર્ષના પહેલા જ દિવસેસવારે 9.10 કલાકે ભારત બ્રહ્માંડ અને તેના સૌથી વધુ શાશ્વત રહસ્યો પૈકીના એક, “બ્લેક હોલ્સ” વિશે વધુ સમજવા માટે એક એડવાન્સ્ડ એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરીનું લોન્ચિંગ કરશે. પીએસએલવીનું એ 60 મું મિશન હશે. બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે એડનાન્સ્ડ એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી અવકાશમાં તરતી મુકનારો ભારત વિશ્વનો બીજો દેશ બનશે.
XPoSAT અથવા X-ray Polarimeter સેટેલાઈટ નામનો ભારતનો ઉપગ્રહ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વિશ્વસનીય રોકેટ, પીએસએલવીદ્વારા લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બેના એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ. વરુણ ભાલેરાવે જણાવ્યું હતું કે, નાસાના 2021ના ઇમેજિંગ મિશન પછી આ આવું બીજું મિશન છે.
એક્સ-રે ફોટોન અને ખાસ કરીને તેમના ધ્રુવીકરણનો ઉપયોગ કરીને, XPoSAT નજીકના બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓમાંથી રેડિયેશનનો અભ્યાસ કરવામાં મદદ કરશે. બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ બ્રહ્માંડમાં સૌથી વધુ હોય છે અને ન્યુટ્રોન તારામાં સૌથી વધુ ઘનતા હોય છે, તેથી મિશન અવકાશમાં જોવા મળતા આ અવકાશ પીંડોના રહસ્યો જાણી શકાશે. ન્યુટ્રોન તારાઓનો વ્યાસ 20 થી 30 કિલોમીટરની વચ્ચે છે. પરંતુ તેનું દળ એટલું વધુ હોય છે કે ન્યુટ્રોન સ્ટારમાંથી માત્ર એક ચમચી દ્રવ્યનું વજન માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધુ હોઈ શકે છે.
ભારતના XPoSat ઉપગ્રહની કિંમત આશરે 250 કરોડ રૂપિયા છે. XPoSAT માટે નાસા મિશન પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલશે તેવી અપેક્ષા છે.
XPoSAT મિશનના મુખ્ય ઓપરેટરો પૈકીના એક એવા રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બેંગલુરુના વૈજ્ઞાનિક પ્રોફેસર બિશ્વજિત પૌલે જણાવ્યું હતું કે, XPoSAT કોસ્મિક પદાર્થોમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્રોની રચના અને દ્રવ્ય અને કિરણોત્સર્ગના ગુરુત્વાકર્ષણ વર્તણૂકની તપાસ કરશે. 8-30 કિલોઈલેક્ટ્રોન વોલ્ટ રેન્જમાં ન્યુટ્રોન તારાઓ અને બ્લેક હોલ જેવા કેટલાક તેજસ્વી એક્સ-રે સ્ત્રોતોની તપાસ કરીને ડેટા મેળવવામાં આવશે.
ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે આ ખર્ચાળ રાષ્ટ્રીય મિશનમાં ભારતના યુવા ખગોળશાસ્ત્રીઓને સામેલ કરવાની જરૂર છે.
XPoSAT મિશનમાં PSLV તેની 60મી ઉડાન ભરશે. 469 કિલોગ્રામનો XPoSAT વહન કરવા ઉપરાંત, 44 મીટર લાંબુ, 260 ટનનું રોકેટ પણ બીજા 10 નેનો સેટેલાઇટ સાથે ઉડાન ભરશે.
About Team gujarat365
Gujarat 365 team.