ગાંધીજીની હવે આપણને જરૂર રહી નથી ?

6 min read
Thumbnail

ભાવિ પેઢી ગાંધીજી જેવો હાડમાંસનો બનેલો માનવી ધરતી પર હતો, એવું માનશે જ નહીં.

મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇનની વાત આટલી જલદી સાચી પડશે એવી કોઇએ કલ્પના પણ કરી ન હોય. આજે ગાંધી ભુલાવા માંડ્યા છે, એ વાત તો કઠણ હૃદયે સ્વીકારવી પડશે. હા, એ સાચું કે ગાંધીનું ભારત એવી ઓળખ દુનિયાભરમાં હોય, ત્યારે રાજકારણીઓ માટે ગાંધીજી મજબુરી છે, તેથી તેમને યાદ તો રાખવા જ પડશે. કમસે કમ ગાંધી જન્મદિને, નિર્વાણ દિને અને બંને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે. ગાંધીને ભલે ભુલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોય, પરંતુ એમ ભુલાય જાય એ ગાંધી થોડા કહેવાય ?

જુઓને હાલમાં જ ભીષણ ભૂકંપમાં તબાહ થયેલા તૂર્કીમાં અર્દોગન સરમુખત્યાર બની ગયા છે. તૂર્કીમાં સામાન્ય ચૂંટણી આવી રહી છે. વિપક્ષ ત્યાં પણ વિખરાયેલો રહ્યો છે, તેથી ફરીથી અર્દોગન રાષ્ટ્રપતિ બની જાય તો નવાઇ નહીં એવો સમય ચાલી રહ્યો હતો, ત્યાં જ વળી વિપક્ષમાં એકતા થઇ અને તેમણે પ્રમુખ માટે જે નામની પસંદગી કરી છે, એ તૂર્કીના ગાંધી છે !આવતા મે મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થશે, તેમાં વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆન સામે વિપક્ષે એક થઇને કમાલ ગાંધી એટલે કે કમાલ કિલિકડારોગ્લૂને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પણ ગાંધીજીની જેમ કૂચ કરી ભ્રષ્ટાચાર સામે લડત ચલાવીને ગાંધી કમાલ બન્યા છે ! ભારતથી જોજનો દૂર પણ સારા જીવન માટે ગાંધીને જ શોધવા પડ્યા છે ! ગાંધીજીની ધરતી પરથી વિદાયને 75 વર્ષ થયા છે, ત્યારે પણ ગાંધીજી ભુલાયા કહેવાય ખરા ? હા, તેમને ભુલાવવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે અને તેથી જ તેમની પ્રતિમાને પણ સાંખી લેવાતી નથી !

દુનિયામાં 70 દેશોમાં ગાંધીજીની પ્રતિમા જોવા મળે છે, એ કાંઇ નાનીસુની વાત નથી. ગાંધીજીના સિદ્ધાંતોએ દુનિયાને કેવું ઘેલું લગાડ્યું છે, તેનો એ બોલતો પુરાવો છે. છતાં આઇન્સ્ટાઇનની વાત દુનિયામાં સાચી પડતી જણાતી હતી, ત્યારે પણ ભારત તો ગાંધીજીનું ઋણી જ રહેશે એવું ઘણા માનનારા હતા અને છે, પરંતુ અત્યારની વાસ્તવિકતા જોઇએ તો ભારતના દરેક દર્દની જડ ગાંધીજી છે, એવું માનનારા ઓછા નથી. એ અલગ વાત છે કે ગાંધીજી રાજકારણીઓ માટે મજબુરી છે, એ કારણે હજુ ગાંધીજીને સાવ કોરાણે કરી દેવાય એમ નથી. પરંતુ ગાંધીજી હવે આપણા જીવનમાં ખાસ મહત્વ રાખતા નથી, એ વાત તો સ્વીકારવી પડે એવા દિવસો ચાલી રહ્યા છે.

ભારતની આઝાદીની લડાઇ જ નહીં, સામાજિક સ્તરે અનેક કૂરિવાજો સામેની લડાઇને કારણે જ આપણે તંદુરસ્ત સમાજ ભણી આગળ વધ્યા છે. હા, હજુ પણ કેટલાક કૂરિવાજોને આપણે પાળી પોષીને આગળ વધારી રહ્યા છે, ત્યારે ગાંધીજી નિષ્ફળ હોવાનું પણ લાગ્યા વિના નહીં રહે. નવી પેઢીમાં ગાંધીજીને ગાળો દેનારાઓની સંખ્યા વધી છે, તેનું એક જ કારણ છે કે નવી પેઢીએ ગાંધીજીને વાંચ્યા જ નથી, ત્યાં સમજવાની વાત જ ક્યાં આવે ?

ભારતના સામાજિક અને રાજનીતિક જીવનમાં ગાંધીજીનો પ્રવેશ તો છેક 1917 માં થયો હતો. એ પછી સતત ત્રણ દાયકા સુધી તેઓ ભારતમાં છવાયેલા રહ્યા. ફક્ત મોટી વાતો કરીને નહીં, પણ કહેલી વાતો જીવનમાં કરી દેખાડીને ! એટલે જ સમયાંતરે ગાંધીજીના વિચારોને પણ ઉખાડી ફેંકવા માટે તેમની પ્રતિમાઓને તોડી નાંખવામાં આવે છે. ગયા વર્ષે જ ચંપારણ અને મોતિહારીમાં તેમની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. ભારતમાં તો ગાંધીજીને સમસ્યાઓની જડ તરીકે ઠસાવવાનું કામ જે રીતે ચાલી રહ્યું છે, એ જોતાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કરવાના પ્રયાસ ન થાય એ સમજાય, પરંતુ અમેરિકામાં બ્લેક લાઇફ મેટર્સ આંદોલન દરમ્યાન ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરાય એ વાત સમજાય એવું નથી. ગાંધીજીએ પહેલી લડાઇ ભારતની સ્વતંત્રતા માટે નહીં, પણ આફ્રિકાના હબસીઓ માટે રંગભેદની નીતિ હટાવવા માટે કરી હતી, છતાં બ્લેકલાઇફ મેટર્સ આંદોલમાં તેમને જ નિશાન બનાવાય એવું કેમ બને ? 

ગાંધીજીનો પ્રભાવ આજે પણ છે. પરંતુ ગામનો જોગી જોગટો જેવા હાલ આપણે ગાંધીજીના કરી નાંખ્યા છે. પરંતુ આવા પ્રયાસ સાંઠ- સિત્તેરના દાયકામાં પણ થયા હતા. દેશમાં નક્સલી ઉન્માદ ચાલતો હતો, ત્યારે ગાંધીજીની પ્રતિમા પર હુમલા થતા રહ્યા હતા, છતાં પણ આજે ગાંધીજીને આપણે યાદ કરવા જ પડે છે, કરીએ છીએ. એ વખતે જમશેદપુરમાં ગાંધીજીની પ્રતિમા તોડવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણે એ ઘટના સંદર્ભે ગાંધીજનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ગાંધીથી એ લોકોને એટલા જોખમનો અહેસાસ થયો છે કે તેઓ તેમની પ્રતિમા તોડવા માંડ્યા છે. તેને પણ હું આશાની નજરે જોઉં છું. આ ઘટના તો પોતપોતાની સુરક્ષિત દુનિયા બનાવીને જીવતા ગાંધીજનો માટે સીધો પડકાર છે. પડકાર નહીં તો ગાંધી નહીં. જયપ્રકાશ નારાયણ એટલે કે જે.પી.ની એ વાત લહેર બની ગઇ અને એ વખતે સંપૂર્ણ ક્રાંતિ આંદોલન શરૂ થયું હતું.

ખેર, આજે ગાંધીજી ભુલાઇ રહ્યો છે, તેનું કારણ એ પણ ખરૂં કે આખી દુનિયા હિંસા- પ્રતિહિંસા અને બદલો લેવા પર જ ટકેલી હોય, ત્યારે અહિંસાની વાત કરતા ગાંધી કોને ગમે ? છતાં ગાંધીજીને કોઇ ભુલી શકે એમ નથી. જુઓને યુક્રેન યુદ્ધને એક વર્ષ થઇ ગયું. બાહુબલી રશિયા યુક્રેનને હરાવી શક્યું નથી, ત્યારે ભારત સહિતના દેશો શાંતિ માટેનો માર્ગ કાઢવા માટે તૈયાર થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહેવું પડ્યું કે, યુદ્ધથી સમસ્યાનો માર્ગ નહીં નીકળે. ભારત એ માટે પ્રયાસ કરે છે.. હિંસા પછી પણ શાંતિનો માર્ગ જ શોધવો પડી રહ્યો છે, એ જ પુરવાર કરે છે કે ગાંધીજીને ભુલવા ન જોઇએ. જો કે ફક્ત અહિંસા જ નહીં, ગાંધીજીના નૈતિક મૂલ્યો પણ આપણે ભુલી રહ્યા છે. ભ્રષ્ટાચાર તેનો સૌથી મોટો પુરાવો છે. ગાંધીજી જેને અધઃપતન કહેતા એવા અનેક કામો આપણે જોઇ રહ્યા છીએ. છતાં ગાંધી ભુલાતા નથી, ત્યારે ગાંધીમાં જ ફરી આશા રાખીને જીવવું વધુ યોગ્ય છે, એ જ રાહ દેખાડશે એવી આશા પણ ખોટી નથી... એ જોતાં ગાંધીજીનું મહાભિનિષ્ક્રમણ પણ જાણવું જરૂરી થઇ પડશે. એ મહાભિનિષ્ક્રમણ એટલે દાંડીયાત્રા.

દાંડીયાત્રા કેમ કરવી પડી ? સત્યાગ્રહ માટે દાંડી જ કેમ પસંદ કરવું પડ્યું ? એવા અનેક સવાલોના જવાબો નવી પેઢીને મળે એ માટે આ સીરીઝ શરૂ કરી છે... પાંચ એપ્રિલ 1930 ના દિવસે મીઠાના સત્યાગ્રહ સાથે ગાંધીજીની દાંડીયાત્રા પૂરી થઇ હતી, તો આજથી પાંચ એપ્રિલ સુધી આ સીરીઝ ચાલુ રહેશે, વાંચતા રહો.. gujarat365.com

Ashok Patel

About Ashok Patel

I am a journalist, interested in science, especially astronomy.