કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર પીએમ નરેન્દ્ર મોદીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આવી કાર્યવાહીથી ભારતના સંકલ્પને નબળો નહીં પડે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું કે કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની હું સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના આ કાયર પ્રયાસો ભયાનક છે. આ પ્રકારની હિંસા ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાનું શાસન જાળવી રાખે.
ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પટન શહેરમાં સ્થિત હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભક્તો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ત્યાં ભારે રોષ જોવા મળ્યો હતો. અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં હિન્દુ સભા મંદિરમાં ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની નિંદા કરી હતી.
તેમણે જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની કેનેડાની સરકારને અપીલ કરી હતી કે તમામ ધાર્મિક સ્થળોને આવા હુમલાઓથી સુરક્ષિત રાખવા જોઈએ. જયસ્વાલે કહ્યું કે અમને એ પણ આશા છે કે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી થશે. અમે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. પરંતુ, ધમકીઓ, કનડગત અને હિંસા છતાં, ભારતીયો અને કેનેડિયન નાગરિકોને સેવાઓ પૂરી પાડવા માટે અમારા કોન્સ્યુલર અધિકારીઓ સુધી લોકોની પહોંચને અટકાવવામાં આવશે નહીં.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હિંસાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં થયેલી હિંસા સ્વીકારી શકાય નહીં. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.
About Team gujarat365
Gujarat 365 team.