બોલીવુડના મહાન કલાકાર અને ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારનો પાલી હિલ બંગલો ટૂંક સમયમાં એક ભુતકાળ બની જશે. એ બંગલાને સ્થાને હવે 11 માળના આલીશાન રહેણાંક પ્રોજેક્ટ આકાર લેશે. જો કે એ રેસીડેન્શ્યલ પ્રોજેક્ટની સાથે સાથે દિલીપ કુમારની યાદમાં મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.
દિલીપ કુમારનો આ બંગલો અડધા એકરમાં ફેલાયેલો છે. તેનો બાંધકામ વિસ્તાર 1.75 ચોરસ ફૂટથી વધુ છે, જેના પર 11 માળ બાંધવામાં આવશે.દિલીપ કુમારનો આ પાલી હિલ પ્લોટ ઘણા વર્ષોથી કાયદાકીય ગૂંચમાં અટવાયેલો હતો. અભિનેતાના પરિવારે બિલ્ડર પર તેમની મિલકતનો કબજો લેવાના ઈરાદાથી દસ્તાવેજો બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. દિલીપ કુમારની પત્ની સાયરા બાનુને લાંબી કાનૂની લડાઈ બાદ 2017માં પ્લોટ મળ્યો હતો.
દિલીપ કુમારના પરિવારે હવે આ બંગલા અને પ્લોટને 11 માળના લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને મ્યુઝિયમમાં વિકસાવવાની મંજૂરી આપી દીધી છે. બંને માટે પ્રવેશ અલગ અલગ હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટથી 900 કરોડ રૂપિયાથી વધુની આવક થશે.
દિલીપ કુમારે આ બંગલો 1953માં કમરુદ્દીન લતીફ નામના વ્યક્તિ પાસેથી લગભગ 1.4 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જે પ્લોટ પર આ બંગલો બાંધવામાં આવ્યો છે તે પ્લોટ કમરુદ્દીન લતીફે 1923માં મુલરાજ ખટાયુ નામના વ્યક્તિના પરિવાર પાસેથી 999 વર્ષના ભાડાપટ્ટે લીધો હતો. વિવાદ ત્યારે થયો જ્યારે એક સ્થાનિક બિલ્ડરે દાવો કર્યો કે આ બંગલો તેમની માલિકીનો છે અને દિલીપ કુમારનો નથી. આ વિવાદ 2017 સુધી ચાલ્યો અને ત્યારબાદ સાયરા બાનુ અને અભિનેતાને માલિકી હક્કો મળી ગયા.
About Team gujarat365
Gujarat 365 team.