ચૂંટણી પરિણામ જાહેર થાય એ પહેલાં સંકેત આપતો એક્ઝિટ પોલ શું છે ?

2 min read
Thumbnail

આજે છેલ્લા તબક્કાનું મતદાન પૂરૂં થશે. એ સાથે જ ટીવી ચેનલો પર એક્ઝિટ પોલ દ્વારા ચૂંટણી પરિણામ શું હશે એ અંગે સર્વે જાહેર થવા માંડશે. એ સાથે સવાલ એ પણ થાય કે એક્ઝિટ પોલ શું છે અને તેના નિયમ- કાયદા શું છે ?

એક્ઝિટ એટલે બહાર નીકળવું. મતલબ કે શબ્દ પરથી જ સમજાઇ જશે કે એક્ઝિટ પોલ એટલે કોઈ મતદાર ચૂંટણીમાં મતદાન કર્યા પછી બૂથની બહાર આવે છે, ત્યારે તેને પૂછવામાં આવે છે કે શું તે જણાવવા માંગે છે કે તેણે કઈ પાર્ટી કે ઉમેદવારને મત આપ્યો છે. એ પરથી ચૂંટણીમાં કોણ જીતશે અને કયો પક્ષ સરકાર બનાવશે એ અનુમાન કરવાનું કામ એટલે એક્ઝિટ પોલ.

એક્ઝિટ પોલ કરતી એજન્સીઓ મતદારો મતદાન કર્યા પછી બહાર આવે છે, ત્યારે તેમને પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો છે, જેમ કે વડાપ્રધાન પદ માટે તમારા મનપસંદ ઉમેદવાર કોણ જેવા પ્રશ્નો પૂછીને મતદારના મનનો તાગ લેવા મથે છે. મતદાન મથક પર દરેક દસમા કે વીસમા મતદારને આ પ્રકારના પ્રશ્નો પૂછીને મતદાર પાસેથી મેળવેલા જવાબોનું પૃથ્થકરણ કરીને ચૂંટણીના પરિણામો કેવા આવશે તે અનુમાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભારતમાં એક્ઝિટ પોલ કરનારી જાણીતી એજન્સીઓમાં C-Voter, Axis My India, CNX નો સમાવેશ થાય છે. એ ઉપરાંત બીજી કેટલીક એજન્સીઓ પણ આ પ્રક્રિયામાં ઝુકાવતી હોય છે.

સવાલ એ થાય કે એક્ઝિટ પોલ કરવા માટે કોઇ કાયદા છે ખરા ?

એક્ઝિટ પોલ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 126A હેઠળ નિયંત્રિત થાય છે.

ભારતમાં ચૂંટણી પંચે એક્ઝિટ પોલને માટે કેટલાક નિયમો બનાવ્યા છે. મહત્વનો નિયમ એ છે કે આ સરવેથી ચૂંટણી પ્રભાવિત થવી ન જોઇએ.

ચૂંટણી પંચ સમયાંતરે બહાર પડતી એક્ઝિટ પોલની માર્ગદર્શિકામાં એક્ઝિટ પોલ કરાવવાની પદ્ધતિ શું હોવી જોઈએ એ અંગે માહિતી આપવામાં આવી છે. એ ઉપરાંત સામાન્ય નિયમ એવો છે કે એક્ઝિટ પોલના પરિણામો મતદાન પૂરું થઇ જાય એ બાદ જ પ્રસારિત કરી શકાય છે. એ કારણે જ હાલની લોકસભાની ચૂંટણીમાં છેલ્લા અને સાતમા તબક્કાનું મતદાન આજે પૂરું થતાં જ એક્ઝિટ પોલ ટીવી ચેનલો પ્રસારિત કરી શકશે.

એક્ઝિટ પોલનું પ્રસારણ ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતથી અડધા કલાકથી મતદાનના છેલ્લા તબક્કાના અંતના અડધા કલાક સુધી કરી શકાશે નહીં. આ સિવાય મતદાન બાદ એક્ઝિટ પોલના પરિણામોનું પ્રસારણ કરવા માટે સર્વે એજન્સીએ ચૂંટણી પંચની પરવાનગી લેવી પડે છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.