લગભગ બે મહિનાથી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ આવતા વર્ષે જ પાછી આવી શકે એમ લાગે છે. સ્ટારલાઇનર યાનમાં આવેલી ખામીને કારણે બે મહિનાથી સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં જ રહે છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર એક અઠવાડિયું સ્પેસ સ્ટેશનમાં રહી ધરતી પર પાછા ફરવાના હતા, પરંતુ સ્પેસલાઇનરમાં ખામી આવતાં તેમનું પુનરાગમન વિલંબમાં મુકાયું છે અને હવે એવા હેવાલ છે કે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું વાપસી આવતા વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. જો એમ થાય તો બંને અવકાશયાત્રી ફેબ્રુઆરી 2025માં બોઇંગના સ્પેસક્રાફ્ટને બદલે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન દ્વારા પૃથ્વી પર પરત ફરી શકે છે.
સ્ટારલાઇનર અથવા ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય આવતા અઠવાડિયે લેવામાં આવે તેવી અપેક્ષા છે. આ મિશન લગભગ 8 દિવસનું હતું, પરંતુ સ્ટારલાઇનર પર પ્રોપલ્શન સિસ્ટમમાં સમસ્યા હોવાને કારણે, બંને અવકાશયાત્રીઓ હજુ સુધી પૃથ્વી પર પાછા આવી શક્યા નથી.
સ્ટારલાઈનર મિશન 5 જૂને રાત્રે 8:22 વાગ્યે ULA ના એટલાસ વી રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસક્રાફ્ટ 13 જૂને રાત્રે 9:45 વાગ્યે ધરતી પર પરત આવવાનું હતું, પરંતુ 28 માંથી 5 રિએક્શન કંટ્રોલ થ્રસ્ટર્સમાં સમસ્યા પેદા થતાં વળતી અવકાશયાત્રા મુલતવી રાખવામાં આવી હતી.
નવા પરીક્ષણ ડેટા પરથી એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ઓવરહિટીંગ થ્રસ્ટર્સ ટેફલોન સીલને નુકસાન પહોંચાડી રહ્યા છે, પ્રોપેલન્ટ પ્રવાહને પ્રતિબંધિત કરી રહ્યા છે અને થ્રસ્ટને નબળો પાડી રહ્યા છે. આ સ્થિતિમાં બંને અવકાશ યાત્રીઓને સ્ટારલાઇનરના ક્રૂ ડ્રેગન દ્વારા જ પૃથ્વી પર પરત લાવવાનું જોખમ લેવું કે કોઇ બીજો વિકલ્પ અપનાવવો એ અંગે નાસા હજુ કોઇ નિર્ણય લઇ શકતું નથી.
જો નાસા સ્ટારલાઇનર દ્વારા બંને અવકાશ યાત્રીઓને પરત લાવવાનું પસંદ નહીં કરે તો બોઇંગનું આ યાન ખાલી પરત આવશે. બોઇંગનું આ પરીક્ષણ મિશન હોવાને કારણે તેને આ નિષ્ફળતાથી મોટો ફટકો પડશે. જો તે સફળ થશે તો જ તેને નાસા તરફથી ક્રૂ મિશન માટે પરવાનગી મળશે.
જો નાસા સ્ટારલાઇનર દ્વારા બંને અવકાશયાત્રીઓને પરત લાવવાનું પસંદ નહીં કરે તો સ્પેસએક્સના મિશન ઉપર આધાર રાખવો પડશે. સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન સપ્ટેમ્બર 2024માં લોન્ચ થવાનું છે. આ પ્લાનમાં વિલિયમ્સ અને વિલ્મોર 2025માં ક્રૂ-9 ટીમ સાથે પરત ફરશે.
સ્ટારલાઇનર કેપ્સ્યુલને મહત્તમ 90 દિવસ માટે ISS સાથે જોડેલું રાખી શકે એમ છે.
About Team gujarat365
Gujarat 365 team.