દુનિયાભરમાં અવારનવાર શક્તિશાળી અને નબળા દેશોની વાત થાય છે. સામાન્ય રીતે, દેશોની તાકાત સૈન્ય શક્તિના સંદર્ભમાં જોવામાં આવે છે, પરંતુ વૈશ્વિક ક્ષેત્રે, શક્તિનું પ્રમાણ બહુ-પરિમાણીય છે. આમાં, લશ્કરી શક્તિની સાથે, રાજકીય પ્રભાવ અને દેશના આર્થિક સંસાધનો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય જોડાણોમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે. યુએસ ન્યૂઝે 2024માં વિશ્વના ટોચના શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં ટોપ ટેન દેશમાં ભારતને સ્થાન મળ્યું કે નહીં એ ચર્ચાનો વિષય બની ગયો છે.
આ રેન્કિંગ તૈયાર કરવા માટે પાંચ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે. આ મુદ્દામાં - એક નેતા (વિશ્વમાં નેતૃત્વ), આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણ અને મજબૂત સૈન્યનો સમાવેશ કરાયો હતો.
યુએસ ન્યૂઝનું આ રેન્કિંગ મોડલ BAV ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની WPPનું એકમ છે. ઉપરાંત, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વોર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીનની આગેવાની હેઠળના સંશોધકોએ યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટના સહયોગથી તેને તૈયાર કર્યું છે. રેન્કિંગમાં માર્ચ મહિના માટે જીડીપીના આધારે અર્થતંત્ર અને વસ્તીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યાદીમાં અમેરિકા 27.97 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ટોચ પર છે. અમેરિકાની વસ્તી 339.9 મિલિયન છે. બીજા ક્રમે ચીન છે જેની અર્થવ્યવસ્થા રૂ. 18.56 ટ્રિલિયન છે. ચીનની વસ્તી 1.42 અબજ છે. રશિયા 1.90 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર અને 144 મિલિયન વસ્તી સાથે ત્રીજા ક્રમે, જર્મની 4.70 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર અને 83.2 મિલિયન વસ્તી સાથે ચોથા અને બ્રિટન 3.59 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર અને 67.7 મિલિયન વસ્તી સાથે પાંચમા ક્રમે છે.
આ યાદીમાં દક્ષિણ કોરિયા છઠ્ઠા નંબર પર છે. એ પછી સાતમા ક્રમે ફ્રાન્સ , આઠમા ક્રમે જાપાન, નવમા ક્રમે સાઉદી અરેબિયા અને દસમા ક્રમે યુએઇ છે. મતલબ કે ટોપ ટેન શક્તિશાળી દેશોમાં ભારતને સ્થાન મળ્યું નથી. આ યાદીમાં ભારત છેક બારમા ક્રમે છે. હા, ઇઝરાઇલ પણ 11 મા ક્રમે છે, તેથી ભારત બહુ પાછળ ન કહેવાય એટલું આશ્વાસન લઇ શકાય. ભારતની અર્થવ્યવસ્થા 3.39 ટ્રિલિયન ડોલરની છે.
About Team gujarat365
Gujarat 365 team.