મીઠાનો સત્યાગ્રહ કરવો ક્યાં ?

7 min read
Thumbnail

ગાંધીજી જેલમાં જાય એ પછી હું તમને મારા કાર્યક્રમની વિગત આપીશ...

મીઠાના સત્યાગ્રહથી સ્વરાજ મેળવવાની વાત સરદાર પટેલને ગળે ઉતરી ન હતી અને તેથી તેઓ એ માટેની ગાંધીજીની બેઠકમાં પણ ગેરહાજર રહેતા. પરંતુ ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવો એ નક્કી કરી નાંખ્યું, એ પછી સવાલ એ થયો કે એ સત્યાગ્રહ ક્યાં કરવો અને તેની તૈયારી કઇ રીતે કરવી ? ગાંધીજીએ મીઠાનો કાયદો ક્યાં તોડવો અને એ માટે કૂચ કયા માર્ગે કરવી એ નક્કી કરવાની જવાબદારી સરદાર પટેલને બોલાવીને સોંપી દીધી અને સરદાર પટેલે એ કામગીરી સ્વીકારી પણ લીધી !

કેવી વૈચારિક સંવેદનશીલતા !

આજે તો એ જોવા પણ નહીં મળે. આદેશ થાય અને શિસ્તના નામે એ આદેશ માથે ચઢાવવાનો હોય. પરંતુ આદેશમાં ઋજુતા તો ગાંધીજી જ ભેળવી શકે અને એ ઋજુતા, એ વિશ્વાસ અને એ રાષ્ટ્રપ્રેમ સામે ઝુકી જઇને આદેશ માથે ચઢાવવાનું કામ પણ લોખંડી પુરૂષ જ કરી શકે ! બસ, ગાંધીજીએ કહ્યું એટલે એ કામ કરવાનું જ એવી વફાદારીમાં અંગત અહમ કે રોષ હોય જ ન શકે. દેશના હિતમાં જ ગાંધીજી નિર્ણય લે અને તેનું પાલન કરવાનું એટલી સાદી સમજ લોખંડી પુરૂષમાં હતી અને તેમણે એ કામ શરૂ પણ કરી દીધું.

ભલે ગાંધીજીએ નમકવેરા સામે લડત લડવાનો નિર્ણય છેક 1930 માં લીધો હોય, પરંતુ સચિવ મહાદેવ દેસાઇ ડાયરીમાં લખે છે એમ 1917 માં એક માંદગીમાં ગાંધીજીને સન્નિપાત ચઢ્યો હતો. સન્નિપાત ચઢતાં ગાંધીજી બબડાટ કરવા માંડ્યા હતા. ગાંધીજી કહેતા હતા કે, મીઠાનો કાયદો તો જવો જ જોઇએ. ગાંધીજી માનતા કે ગુનો અગરમાંથી મીઠું લેનારાઓનો નથી, પણ સરકારનો તેનો કબજો લેવામાં છે. સરકાર મીઠું ચોરે છે અને એ ચોરેલી ચીજ માટે લોકો પાસે ભારે વેરો લે છે. લોકોને જ્યારે પોતાની શક્તિનું ભાન થશે, ત્યારે જે વસ્તી પોતાની છે, તેનો કબ્જો લેવાનો તેમને સંપૂર્ણ હક હશે. નમક વેરા સામે લડત ઉપાડવી એ તો નક્કી થઇ ગયું અને એ નક્કી થયા પછી પહેલો સવાલ એ આવ્યો કે લડત ક્યાં કરવી ?

ગાંધીજી સત્યાગ્રહ કરવાના હોય તો એ પોતાના આંગણે થાય એવું બધા જ લોકો ઇચ્છતા હોય. નમક વેરાના ભંગ માટે ખેડા જિલ્લાના મહી નદીના કાંઠે આવેલા બદલપુર ગામનો વિચાર ચાલતો હતો,એ જ અરસામાં સુરત જિલ્લાના ઇશ્વરલાલ દેસાઇ, કુંવરજીભાઇ, કલ્યાણજીભાઇ મહેતા, કાનજીભાઇ દેસાઇ, નરહરી પરીખ જેવા કાર્યકરોએ તીથલ, ધરાસણા, લસુન્દ્ર અને દાંડી ખાતે નમક વેરાનો ભંગ ગાંધીજી કરે એવો આગ્રહ રાખતા હતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઇ એ સમયે બારડોલી આવ્યા ત્યારે તેમણે ધરાસણાના મીઠાના અગરોની મુલાકાત પણ લીધી હતી.

ખેડામાં નમક વેરા સામેની લડત લડવામાં આવે તો એ ચાર- પાંચ દિવસમાં જ પૂરી થઇ જાય, તેના કરતાં એવું સ્થળ પસંદ થાય તો યાત્રાના દિવસો વધુ થાય અને તેનો પ્રચાર પસાર પણ ખાસ્સો થઇ શકે એવી કલ્યાણજીભાઇએ અમદાવાદ જઇને સરદાર પટેલ સમક્ષ રજુઆત કરી. સરદાર પટેલને એ સુચન ગમ્યું અને એ સાથે જ દક્ષિણ ગુજરાતમાં આ લડત લડવી એવું નક્કી થયું. હવે ક્યાં મીઠાનો સત્યાગ્રહ કરવો એ માટે કલ્યાણજીભાઇ, લક્ષ્મીદાસ આસર અને નરહરિભાઇ પરીખે દક્ષિણ ગુજરાતના સ્થળોની મુલાકાત લીધી. દાંડી અને ધરાસણા ઉપર નજર ઠરે એમ હતું. કદાચ, દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના કાછલીયા, નાના છીતા અને ફકીરા જેવા યુવાનોએ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની લડતમાં યશસ્વી કામગીરી કરી હતી, તેનું ઋણ અદા કરવાનું પણ ગાંધીજીએ મનોમન ઠેરવ્યું હોય એમ લાગે છે. આખરે, દાંડી ખાતે નમક પરના વેરોનો ભંગ કરવાનું નક્કી થયું.

સરદાર પટેલે દાંડીયાત્રા માટેનો માર્ગ તથા તેના પ્રચાર પસારનું કામ હાથ પર લીધું. તેઓ 7 માર્ચે મહીસાગરને કાંઠે આવેલા કંકાપુરામાં જાહેર સભા કરવા જવાના હતા. માર્ગમાં રાસ ગામે જમવા રોકાયા અને ત્યાં જ નાનકડી સભા યોજી, પરંતુ પોલીસે રાસ ખાતે જાહેરસભા યોજી ન શકાય એવી નોટીસ આપી, પણ સરદાર પટેલે એ નોટીસનો અનાદર કર્યો. પોલીસ સુપ્રિટેન્ડન્ટ બિલિમોરિયાએ તેમની ધરપકડ કરી બોરસદ કોર્ટમાં તેમને રજુ કર્યા, જ્યાં મેજિસ્ટ્રેટે સરદાર પટેલને 3 મહિનાની સખત કેદ અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો. સરદાર પટેલની ગેરહાજરીમાં પણ દાંડીકૂચ માટેની તૈયારી ચાલતી રહી. સ્થળ નક્કી થઇ ગયું, તો કોને યાત્રામાં લેવા એ નક્કી કરવાનો સવાલ પેદા થયો.

કૂચ દરમ્યાન ગાંધીજીએ નક્કી કરેલા નિયમોનું પાલન કરી તેમની સાથે રહી કૂચ કરી શકે એવા સૈનિકોની જરૂર હતી, તો પોતાના જ વિસ્તારમાં રહીને સત્યાગ્રહ કરે એવા સૈનિકોની પણ જરૂર હતી, તો જ દેશભરમાં સત્યાગ્રહની અસર પડી શકે. જો કે પહેલી જરૂરિયાત તો દાંડીકૂચ દરમ્યાન શહીદ થવા સુધીની તૈયારી હોય એવા શિસ્તબદ્ધ અને નિયમોનું પાલન કરી શકે એવા સત્યાગ્રહીઓની પસંદગી કરવાની હતી. એ માટે તત્કાળ ક્યાંથી પસંદગી કરવી અને તેથી જ ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં જ લાંબી દડમજલ કરી શકે એવા શક્તિશાળી તથા આશ્રમના વ્રત- નિયમોથી ઘડાયેલા 79 આશ્રમવાસીઓની પસંદગી કરવાનું જ ઠરાવ્યું.

61 વર્ષના સેનાપતિ ગાંધીજી અને તેમના સહયાત્રીઓમાં 16 વર્ષથી માંડીને 61 વર્ષ સુધીના સૈનિકો. જો કે એ પસંદગીમાં ગાંધીજીએ દેશના તમામ વિસ્તારને આવરી લેવાય એવો ખ્યાલ જરૂર રાખ્યો હતો. પરંતુ સૌથી વધુ યાત્રીઓ તો ગુજરાતના જ રહ્યા. એ જ રીતે સૌથી વધુ યાત્રીઓ તો હિન્દુ જ રહ્યા, પણ બે મુસલમાન અને એક ખ્રિસ્તીનો પણ સમાવેશ કરાયો હતો. તમને જાણીને નવાઇ લાગશે કે ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચમાં એક પદયાત્રી તો નેપાળી પણ હતા. પહેલા પસંદ થયેલા 79 યાત્રીઓ અને માર્ગમાં બીજા બે યાત્રીઓ જોડાયા એમાંથી એક એટલે નેપાળી ખડગ બહાદુરસિંહ.

દાંડીયાત્રીઓમાં એક પણ મહિલા નહીં !

આઝાદીની લડતમાં મહિલાઓ પણ ખભેખભા મીલાવીને લડતી હતી, તેઓ આ વાત થોડા સાંખી લે. મહિલાઓએ તરત ગાંધીજીને રજુઆત પણ કરી, ત્યારે ગાંધીજી બહુ સ્પષ્ટ હતા. આ લડતમાં અંગ્રેજ પોલીસનો ઢોરમાર ખાવાની તૈયારી હોય, ત્યારે મહિલાઓને સાથે રાખીને તેમને આગળ કરવી અને માર ખાતા બચી જવા જેવી વાત ગાંધીજી થોડા માને ? સાથે ગાંધીજીએ એ પણ કહી દીધું કે, પુરૂષોએ ભોગ આપ્યો હશે, ત્યારે મહિલાઓને પણ જેલમાં મોકલતાં મને જરાય સંકોચ નહીં થાય !

આવી યાત્રા શિસ્તબદ્ધ જ હોવી જોઇએ. એ કોઇ પ્રવાસ ન હતો, તેથી જ ગાંધીજીએ યાત્રાની સરભરા માટે પણ આચારસંહિતા ઘડી કાઢી, જેથી ગામો એ સરભરામાં ઊંચા દેખાવાની સ્પર્ધા ન થાય. ખાસ તો રાત્રે ઘાસ- વાંસનું છાપરૂં મળી રહે એ જરૂરિયાત હતી. તો ભોજનમાં પણ ગામલોકોએ રોટલા-રોટલી અથવા ખીચડી, શાક અને દૂધ અથવા દહીં. શાક પણ બાફેલું જ હોવું જોઇએ. સવારે રાબ અને ઢેબરાં મળવા જોઇએ, તો ભોજનમાં વ્યક્તિદીઠ 3 તોલાથી વધુ ઘી હોવું ન જોઇએ. જો કે પોતાને સવાર સાંજ બકરીનું દૂધ મળી શકે તો તે, સુકી દ્રાક્ષ કે ખજૂર અને ત્રણ લીંબું મળી શકે તો આપવા એવું તેમણે ઠરાવ્યું હતું.

દાંડીકૂચ પહેલાં પણ અંગ્રેજ સરકારને પત્ર લખીને તમામ વાતો જણાવી દીધી હતી. પીઠ પાછળ ઘા કરવાની ગાંધીજીને આદત જ નહીં, સામી છાતીએ અહિંસાથી લડી લેવાનું કૌવત તેમનામાં જ હતું. પરંતુ સરકાર સમાધાન માટે તૈયાર ન હતી, આખરે કૂચનો દિવસ આવી ગયો. તેની આગલી સાંજે દેશભરમાંથી લોકો અમદાવાદના સાબરમતી આશ્રમે આવી પહોંચ્યા. સાબરમતીની રેતીમાં 75 હજાર લોકોની વિરાટ સભા મળી. એ સભાને સંબોધતા ગાંધીજીએ કહ્યું –

એ પણ સંભવ છે કે આજે તમારી સમક્ષ મારૂં આ છેલ્લું વ્યાખ્યાન હોય. જો સરકાર મને કૂચ કરવા દે તો પણ સાબરમતીના પવિત્ર કાંઠે તો આ છેલ્લું જ ભાષણ હશે અથવા મારી જીંદગીનું પણ આ છેલ્લું ભાષણ હોય. જો સરકાર મને અને મારા સાથીઓને પકડી લે તો પણ દાંડી લગીની કૂચ કાર્યક્રમ મુજબ ચાલવી જ જોઇએ. અમે બધા પકડાઇ જઇએ તો પણ અશાંતિ તો મુદ્દલ થવી જ ન જોઇએ. મને પકડી જાય એટલે દોરનારો કોઇ નથી એમ ન માનતા. જવાહરલાલ તો છે જ. તેમનામાં દોરવાની શક્તિ છે, પરંતુ આપણામાં નીડરતા નહીં હોય, હિંમત નહીં હોય તો આપણને એ જવાહરલાલ આપવાના નથી..

ગાંધીજી તો નિત્યક્રમ પ્રમાણે સૂઇ પણ ગયા, પરંતુ બાકીના હજારો લોકો જાગતા રહ્યા, રખે ને ગાંધીજીની ધરપકડ તો ન થાય ને ? લોકોને કૂતુહલ પણ હતું કે સવારે શું થશે ? ને આખરે, 5 માર્ચની સવાર પડી...

Ashok Patel

About Ashok Patel

I am a journalist, interested in science, especially astronomy.