ચોમાસું કેરળમાં પહેલા શા માટે આવે છે?

3 min read
Thumbnail

આપણે ત્યાં ચોમાસાની અલગ ઋતુ છે. ચાર મહિના ચોમાસાના ગણાય છે. જો કે હવે જળવાયુ પરિવર્તનના જમાનામાં ભારતમાં પણ ચોમાસું વહેલુંમોડું થતું આવ્યું છે. હા, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં મુંબઇ થઇને આવતા ચોમાસા પહેલાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડી જતો જોવા મળ્યો છે. આ વર્ષે હજુ એવા કોઇ વાવડ જણાતા નથી. આ વર્ષે ચોમાસું બે દિવસ વહેલું કેરળમાં બેઠું છે. કેરળથી ધીરે ધીરે ચોમાસું આગળ વધીને દેશને ભીંજવશે.

યાદ રહે કે ચોમાસું ક્યારે બેઠું કહેવાય ? આપણા દેશમાં જુનમાં સતત ત્રણ દિવસ વરસાદ પડે, ત્યારે ચોમાસું બેઠું કહેવાય. જુનથી ઓક્ટોબર સુધીના ચાર મહિના ચોમાસાના ગણાય છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું ખરૂં કે ચોમાસું કેમ કેરળથી જ બેસે છે ?

ઉનાળામાં સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય છે. પાણી વરાળ સ્વરૂપે આકાશમાં જાય છે, ત્યાં તેમાં ધૂળના રજકરણો સાથે ભળીને તે વાદળો રચે છે. ભારતની વાત કરીએ તો હિંદ મહાસાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાતા હોય છે. આ પવનો સમુદ્રથી જમીન તરફ આગળ વધે ત્યારે એ પવનો વરસાદ લાવે છે. કેરળમાં ચોમાસું બેસે એ પછી આખા દેશમાં એ ચોમાસું આગળ વધતું હોય છે. કેરળ આપણી મુખ્યભૂમિનો વિસ્તાર છે, તેથી કેરળમાં ચોમાસાના આગમનની રાહ જોવાતી હોય છે. વાસ્તવમાં દેશની વાત કરીએ તો સૌ પહેલાં ચોમાસું આંદામાન નિકોબાર ટાપુ પર પહોંચે છે.

ડાઉન ટુ અર્થના અહેવાલ મુજબ, મે-જૂનમાં પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં તીવ્ર ગરમી પડે છે. તીવ્ર ગરમીવાળા એ વિસ્તારમાં હિંદ મહાસાગરમાં હવાનું દબાણ ખૂબ ઓછું થઈ જાય છે. તેનાથી વિપરીત, પૃથ્વીની દક્ષિણમાં સૂર્યની ગરમી ઓછી છે. જેના કારણે ત્યાંનું તાપમાન ઘટે છે. આ સ્થિતિમાં, વિષુવવૃત્તની દક્ષિણે હવાનું દબાણ વધારે બને છે. સામાન્ય નિયમ એ છે કે જ્યાં તાપમાન ઊંચું હોય ત્યાં હવાનું દબાણ ઓછું હોય છે અને જ્યાં તાપમાન ઓછું હોય ત્યાં દબાણ ઊંચું હોય છે.આવી સ્થિતિમાં, હવા વધુ દબાણવાળા વિસ્તારમાંથી ઓછા દબાણવાળા વિસ્તારમાં જવાનું શરૂ કરે છે. મતલબ કેવિષુવવૃત્તની દક્ષિણે ઉચ્ચ દબાણવાળા વિસ્તારથી વિષુવવૃત્તની ઉત્તરના નીચા દબાણવાળા વિસ્તાર (ભારત) તરફ પવન ફૂંકાવા લાગે છે. આ પવનો ચોમાસાના પવન કહેવાય છે.આ વહેતા પવનો પર એક બળ કાર્ય કરે છે જેને કોરિઓલિસ ફોર્સ કહે છે. આ બળ તેની ધરી પર પૃથ્વીના પરિભ્રમણને કારણે ઉદ્ભવે છે. આ બળ પવનની દિશાને અસર કરે છે. આ પવનો ભારતના દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી આવે છેઅને કેરળ ભારતના સૌથી દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સ્થિત છે, જ્યાં પશ્ચિમ ઘાટની ટેકરીઓ છે જેની સાથે આ પવનો અથડાય છે અને ત્યાં ચોમાસું શરૂ થાય છે.

કેરળના દરિયાકાંઠે અથડાયા બાદ આ ચોમાસાના ભેજવાળા પવન બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ પશ્ચિમ ભારતમાં વરસાદ પડે છે, જ્યારે બીજો ભાગ તમિલનાડુના દરિયાકિનારે 'બંગાળની ખાડી' ભણી આગળ વધે છે. તેના કારણે પૂર્વ ભારત, ઉત્તર-પૂર્વ અને ઉત્તર ભારતમાં ચોમાસાનો વરસાદ થાય છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.