મીઠાનો સત્યાગ્રહ કેમ ?

7 min read
Thumbnail

મને આ ચર્ચામાં શો રસ પડે ? ગાંધીજી કહે એમ કરો. ગાંધીજી જેલમાં જાય એ પછી હું તમને મારા કાર્યક્રમની વિગતો આપીશે. પણ તેઓ છુટા હોય ત્યાં સુધી મારે ચર્ચા કરવી નથી...

સરદાર પટેલ આવું કહે એવું તમે માની શકો ?

આશ્રમમાં લડતની રૂપરેખા તૈયાર કરવા માટે મળતી બેઠકોમાં સરદાર પટેલ ભાગ જ ન લેતાં. તેમની ગેરહાજરી સ્હેજે તરી આવે એમ હતી અને તેથી જ મહાદેવભાઇ દેસાઇએ પૂછ્યું, ત્યારે વલ્લભભાઇએ આવો રોકડો જવાબ આપ્યો હતો ! એ જવાબ જ કહી દે કે એ સમયે સરદાર પટેલને પણ નમકવેરા ઉપરની લડતમાં ભરોસો ન હતો ! સરદાર પટેલ જ શું કામ, જવાહરલાલ નેહરૂ, રાજેન્દ્ર બાબુ અને સ્થાનિક આગેવાન કુંવરજીભાઇને પણ એમાં ખાસ આશા હોય એમ લાગતું ન હતું. એમ છતાં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે જાણે હઠાગ્રહ કર્યો હોય એમ લાગતું હતું. એ સમયે ભલે આ આગેવાનોને ગાંધીજીની લડતમાં શ્રદ્ધા બેસતી ન હતી, પરંતુ પાછળથી એ તમામે નમકવેરા સામેની લડત આટલી સફળ થશે એ અંગે ગાંધીજીમાં આસ્થા રાખવી જાહેર કરી હતી. જવાહરલાલ નેહરૂએ તો લખ્યું છે કે, મહાત્માજીએ નમકવેરા પર હુમલો કરવાનો ઇશારો કર્યો, ત્યારે અમે બધા દિગ્મૂઢ થઇ ગયા હતા. સામાન્ય નમકનો રાષ્ટ્રીય લડત સાથે મેળ બેસાડી ન શકાય એવું અમને દૃઢપણે લાગ્યું હતું. જો કે તેમની માન્યતા કેટલી ખોટી હતી, એ પાછળથી સ્વીકારતા જવાહરલાલ નેહરૂએ લખ્યું હતું કે, કોઇ દાબી રાખેલી કમાન એકાએક છોડી દેવામાં આવે અને તે છટકે એનો અનુભવ સૌને થયો. ગાંધીજીના ઇશારાની સાથે જ નમક શબ્દમાં કંઇક અજબ અર્થ લોકોને લાગવા માંડ્યો. એ શબ્દ ચમત્કારિક થઇ પડ્યો. ગાંધીજીએ એ ઉપાયની પ્રથમ વખત સુચના આપી હતી, ત્યારે તેની કાર્યસાધકતા અંગે અમે શંકા-કુશંકા કરી હતી, એ બદલ અમને શરમ ઉપજી. અમે આભા થઇ ગયા. જનસમુહ પર અસર પડવાની અને તેને વ્યવસ્થિત કાર્યમાં પ્રેરવાની એ મહાપુરૂષની અદભુત કળા જોઇ અમે આશ્ચર્યચકિત થઇ ગયા !

જો કે એ બઘામાં રાજેન્દ્રબાબુની વાત બહુ વાસ્તવિક લાગે. તેમણે લખ્યું છે કે, આવી બાબતોમાં ગાંધીજીના અનુભલો પર મને શ્રદ્ધા હતી. મને વિશ્વાસ બેસી ગયો હતો કે , આપણાં કરતાં ભાવિમાં તેમની દૃષ્ટિ વધારે પહોંચે છે. એટલે થોડા વખતથી મેં એવી રીત અપનાવી કે મારા પોતાના વિચાર તેમની સમક્ષ મૂકી દેવા. જો એ વિચાર તેઓ માન્ય રાખે તો એ પ્રમાણે નહીં તો તેમની સલાહ હોય એ પ્રમાણે કામ કરવું. છેવટે મને અનુભવ થતો રહ્યો છે કે તેમનો અભિપ્રાય જ સાચો હતો.

સુરત જિલ્લાના સ્થાનિક નેતા કુંવરજીભાઇને તો ગાંધીજીએ સ્પષ્ટ કહી દીધેલું કે, જમીનનો નાકરનો કાર્યક્રમ સત્યાગ્રહના શસ્ત્રાગારનું છેલ્લું સાધન છે. એ શસ્ત્ર હમણાં મુલતવી રાખવું એમાં જ ડહાપણ છે. માટે હમણાં મીઠાના સત્યાગ્રહને જ વેગ આપો.

લાંબા મંથન પછી એક વખત મનથી નક્કી કરી નાંખ્યા પછી ગાંધીજી પાછા પડે એવા ન હતા. પરંતુ સવાલ એ તો જરૂર જ થાય કે મીઠા પરનો કર એ કાંઇ નવો ન હતો. તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનું ગાંધીજીને મોડું સૂઝ્યું હતું ?

ભારતમાં કેટલાક નઠારા કાયદાઓ લાગુ હતા, તેમાં મીઠા પરનો કરનું ઉદાહરણ પણ ગાંધીજીએ 1909 માં હિંદ સ્વરાજમાં આપ્યું હતું, તો સવાલ એ થાય કે મીઠાનો સત્યાગ્રહ છેક 1930 માં કેમ કરવામાં આવ્યો ?

દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત લડીને ગાંધીજીએ 19 જુલાઇ 1914 ના દિવસે કેપટાઉન બંદરેથી માતૃભૂમિ ભારત આવવા માટેની સફર શરૂ કરી અને તેઓ 9 જાન્યુઆરી 1915 ના દિવસે મુંબઇ પહોંચ્યા હતા, તેથી જ મીઠા પરનો ટેક્સ આઝાદીની લડત માટેનું એક કારણ બન્યો ન હતો. ગાંધીજીએ ભારત આવીને ધીરે ધીરે આઝાદીની લડતમાં સક્રિય થવાનું શરૂ કર્યું. એ બાદ છેક 1929 માં લાહોરમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ મેળવવા માટેનો ઠરાવ થયો. ઉપરાંત લડતની તમામ સત્તા ગાંધીજીના હાથમાં સોંપાઇ હતી. એ વખતથી જ ગાંધીજીએ લડત કઇ રીતે કરવી એ દિશામાં મંથન કરતા થયા હતા. ગાંધીજી તો સત્ય અને અહિંસાના માર્ગે જ લડત લડે, તેથી એ દિશામાં જ તેઓ વિચાર કરતા હતા. આઝાદીની લડતમાં જ્યાં સુધી પ્રજા ન જોડાય ત્યાં સુધી એ લડત અને આઝાદીની કીમત પણ સમજાય એમ ન હતી. આંદોલનમાં પ્રજા જોડાય તો જ ગુલામીની જંજીર તોડી શકાય. એ માટે પ્રજાને પણ લડતમાં સાથે રાખવી હોય તો પ્રજાને અસર કરે એવા મુદ્દે જ લડત ચલાવવી પડે. વિચારોના ઘમ્મરવલોણામાંથી મીઠા ઉપરના કરવેરાનું નવનીત નીકળ્યું અને ગાંધીજીએ નમકવેરા ઉપર સત્યાગ્રહ કરવાનું નક્કી કરી નાંખ્યું.

વાસ્તવમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં તો વેપાર કરવા આવી હતી. કોલકાતા બંદરેથી જહાજો ભરીને માલસામાન ઇંગ્લેન્ડ લઇ જતાં અને ત્યાં ઊંચા ભાવે એ સામાન વેચતા. સ્વાભાવિક છે કે લિવરપુલથી કોલકાતા જતા જહાજો ખાલી રહેતા અને સમુદ્ર તોફાની હોય ત્યારે તેના સંતુલનની સમસ્યા પણ સતાવવા માંડી હતી. એ સંજોગોમાં લિવરપુલથી મીઠાની ગુણીઓ જહાજમાં ભરી લવાતી, તેથી જહાજના સંતુલનની સમસ્યા નડતી નહીં. પરંતુ તેમાં સમસ્યા એ થઇ કે કોલકાતા ખાતે વિલાયતી મીઠુંના ઢગ ખડકાવા માંડ્યા. અંગ્રેજો તો વેપાર કરવા જ ભારત આવ્યા હતા, તેઓ મીઠુંને થોડા વેડફાઇ જવા દે ? કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હાક હતી, તેથી એ વિસ્તારોમાં મીઠું વેચવું એવું નક્કી થયું, પરંતુ જો સ્થાનિક દરિયાકાંઠે પેદા થતું મીઠું સસ્તુ મળતું હોય તો વિલાયતી મીઠું ખરીદે કોણ ? એ કારણથી જ 1762 માં પહેલી વખત મીઠા પર વેરો દાખલ કર્યો હતો. એ સમયે મીઠા પર સીધો વેરો ન હતો, પરંતુ મીઠું પેદા કરવા માટે જમીનનો ઇજારો મેળવવા માટે ભારે કિંમત વસુલ થતી અને એ કિંમત આપતો વેપારી મીઠાનો ભાવ વધારે એ વસુલ કરી લેતો. એ પછી લિવરપુલથી આવતા મીઠાની સમસ્યા પેદા થઇ ત્યારે 1835 માં અંગ્રેજ સરકારે સોલ્ટ કમિશનની રચના કરી. આ કમિશને એવી ભલામણ કરી કે અંગ્રેજોની હકૂમત હતી, ત્યાં લિવરપુલથી આવતું મીઠું વેચવું હોય તો સ્વદેશી મીઠાના ઉત્પાદન પર વેરો લેવો પડે. આખરે, 1882 માં અંગ્રેજ સરકારે ઇન્ડિયન સોલ્ટ એક્ટ પસાર કરી દીધો. મીઠા પર અંગ્રેજ સરકારે વેરો લેવો શરૂ કર્યો, તેની સામે પહેલો અવાજ તો 1885 માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુંબઇ ખાતેના પહેલા અધિવેશનમાં એસ.એ.સ્વામીનાથ ઐયરે નમકવેરા સામે પહેલો વિરોધ ઉઠાવ્યો હતો. એ બાદ 1888 માં અલ્હાબાદ અધિવેશન અને 1892 માં અમદાવાદ અધિવેશનમાં મીઠા પરનો વેરો ઘટાડવા માટે કોંગ્રેસ સરકારને કહેતી રહી હતી. જો કે તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય એ વાત તો ગાંધીજીના દિમાગમાં જ સ્પષ્ટ થઇ અને એ માટે જ ગરીબો, તવંગર, માનવી અને પ્રાણીઓ માટે પણ જરૂરી મીઠા ઉપરના વેરા સામે સત્યાગ્રહ કરવામાં આવે તો જ આખા દેશની પ્રજાને આઝાદીની લડત સાથે જોડી શકાય અને ગાંધીજીનો એ તર્ક સાચો જ પડ્યો પણ ખરો.

એ ખરૂં કે એ સમયે પણ અનેક મતો રજુ થયા હતા. આખા દેશના લોકોને દરિયાકાંઠો લાગતો નથી, તેથી બધા જ લોકો નમક સત્યાગ્રહમાં જોડાય નહીં. બિહારની જ વાત કરીએ તો બિહારમાં દરિયાકાંઠો નથી, પણ ત્યાં લોકોએ ચોકીદાર કર આપવો પડતો, તેની સામે પ્રજામાં અસંતોષ હતો, તેથી બિહારના લોકો એ અન્યાય સામે લડત ચલાવે એવી મંજૂરી મંગાઇ હતી, પરંતુ ગાંધીજી તો ચાણક્યપુરૂષ હતા. તેઓ સમજી ગયા કે આ રીતે જુદા જુદા પ્રાંતોમાં જુદી જુદી લડત ચાલે તો એ લડત ફંટાઇ જશે અને લડત અહિંસક જ રહેશે કેમ એ પણ આશંકા રહે.. એ કારણથી જ ગાંધીજીએ નમકના સત્યાગ્રહ સિવાયના વિકલ્પો સ્વીકાર્યા ન હતા અને આખરે, તેમનું મહાભિનિષ્ક્રમણ શરૂ થવાની ઘડીઓ ગણાતી હતી, પણ સવાલ એ હતો કે મીઠાનો સત્યાગ્રહ કરવો ક્યાં ?

Ashok Patel

About Ashok Patel

I am a journalist, interested in science, especially astronomy.