સોય- દોરો તો આપણા જીવનમાં વણાયેલી ચીજ છે. કપડું ફાટી ગયું હોય, ત્યારે તેનો ઉપયોગ કરીને સાંધી દેવાય છે. પરંતુ એ જ સોય કલાકૃતિ માટેનું માધ્યમ બની શકે ખરૂં ? એમ પણ સોયમાં દોરો પોરાવી શકાય એટલું જ છિદ્ર હોય અને મોટા ભાગના લોકોને અનુભવ હોય છે કે એ છીદ્રમાં દોરો પરોવવો મુશ્કેલ હોય છે, ત્યાં તેમાં કોઇ કૃતિ રચવી તો કેટલી મુશ્કેલ હોઇ શકે. પરંતુ એવું ઝીણું કાંતવાનું કામ વિલાર્ડ વિગન કરી રહ્યા છે. હાલમાં જ તેમણે થ્રી લિટલ કિંગ્સ નામની કૃતિ બનાવી હોવાની જાહેરાત કરી છે.
વિલાર્ડ વિગન ખૂબ જ જાણીતા માઇક્રો શિલ્પકાર છે. તેમણે સોયમાં દોરો પરોવવા માટે જે છિદ્ર હોય છે, એ કાણાંમાં અવનવી કૃતિઓ બનાવી છે. વિગને નાતાલ પર પોતાની કૃતિની તસ્વીર શેર કરતાં લખ્યું છે કે, તેમણે સોયને એક શક્તિશાળી માઇક્રોસ્કોપની નીચે રાખીને આ કલાકૃતિ તૈયાર કરી છે. એ તસ્વીરમાં આંખના પાંપણના વાળથી રંગ કર્યા છે. તેમણે ત્રણે નાના રાજાઓને રોશની, આશા અને શાંતિનું પ્રતિક ગણાવ્યા છે.
બ્રિટીશ કલાકાર વિગન જે કૃતિ બનાવે છે, તેનું કદ 0.005 મીમી છે. બાળક તરીકે વિલાર્ડ ડાયલેક્સીયા અને એસ્પેર્જર સિન્ડ્રોમથી પીડાતા હતા. જો કે એ બિમારીનું નિદાન તો તેઓ પુખ્ત થઇ ગયા, ત્યારે જ થયું હતું. એ બિમારીને કારણે શાળામાં તેઓ હાંસીનું પાત્ર બની રહેતા અને શિક્ષકોની વઢથી બચવા માટે પાંચ વર્ષની વયથી મૂર્તિ બનાવવાનું મનગમતું કામ કરતા રહ્યા હતા. એ વખતથી માઇક્રોસ્કોપથી જ જોઇ શકાય એવી કૃતિ બનાવવા ભણી કામ કરતા થયા અને આજે તેમની કૃતિઓ લોકોનું ધ્યાનાકર્ષિત કરે છે.
About Team gujarat365
Gujarat 365 team.